દાહોદ જીલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા રાજસ્થાનના રાજપૂત અગ્રણીની હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

દાહોદ,રાજસ્થાનમાં રાજપુત સમાજના અગ્રણીની હત્યા મામલે દાહોદ જીલ્લા રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા હત્યામાં સામેલ આરોપીઓને ફાંસીની સજા સાથે દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જીલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું.

દાહોદ જીલ્લા રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જીલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર, રાજપુત સમાજ તેમજ હિન્દુ સમાજના અગ્રણી સુખદેવસિંહજી ગોગામેડીની હત્યાનો દાહોદ જીલ્લા રાજપુત સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. હત્યારાઓ અને પડદા પાછળની તમામ ટીમને તાત્કાલિક ધોરણે પકડી પાડી ફાંસીની સજા ફટકારવામાં આવે. સુખદેવસિંહજી ગોગામેડીએ સુરક્ષા માંગેલ છતાંય સુરક્ષા પ્રદાન કરવામાં આવી ન હતી. આ પણ એક ચિંતાનો વિષય છે. જેના કારણએ પણ તમામ સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ યો છે. પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે આવી ઘટનાઓ બની રહી છે. ભવિષ્યમાં સુખદેવસિંહના પરિવારજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તેમજ તેમના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે. તેવી દાહોદ જીલ્લા રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી.