કાલોલમાં જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરતા દબાણકર્તાઓમાં ફફડાટ

કાલોલ,કાલોલ નગરના મુખ્ય પ્રવેશ દ્વારો સાથે જોડાયેલા જાહેર માર્ગો સાથે વેપારી વિસ્તારો મધ્યે પસાર થતાં રસ્તા પરના રાહદારીઓ અને રોજિંદા ટ્રાફિક વ્યવહારને અડચણરૂપ થતાં અસ્થાયી, હંગામી અને હવાઈ દબાણો તથા લારી પથારાવાળાઓના જમાવડાઓને તાત્કાલિક અસરથી દૂર કરવા પાલિકા વહીવટી તંત્રએ કામગીરી આરંભતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. કાલોલ નગરના વેપારી બજારના મુખ્ય માર્ગોની બંને બાજુએ સ્થાનિક વેપારીઓએ કરેલા અસ્થાઈ, હંગામી અને હવાઈ દબાણોને લઈ ઊભી થતી મુશ્કેલીઓ દૂર કરવા પાછલા ત્રણેક દિવસથી પાલિકા વહીવટી તંત્ર દ્વારા આવા દબાણો સ્વરછીક હટાવી લેવાના જાહેર ફરમાનો બાદ કેટલાક દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ બાકી રહેલા દબાણોને પાલિકા દ્વારા એક ઝુંબેશના ભાગરૂપે હટાવી લેવામાં આવ્યા હતો. કાલોલ નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા કાલોલ મામલતદાર અને સીટી સર્વે ઓફિસર અને પોલીસને સાથે રાખી આજે સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગો પરથી શરૂ થયેલી આ કામગીરી ગધેડી ફળિયા, ભાથીજી મંદિર વિસ્તાર, નવા બજાર, પોસ્ટ ઓફિસ પાસેના વિસ્તારો સહિત મુખ્ય બજાર અને કચેરી રોડ અને કુમાર શાળાની આસપાસના વિસ્તારો સુધી કરવામાં આવી હતી અને જાહેર રસ્તાની આસપાસના વેપારીઓએ કરેલા હંગામી હટાવી લેવાની કામગીરી સાથે સાથે આવા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

કાલોલ નગરજનો અને વહીવટી તંત્ર માટે માથાનો દુ:ખાવો બનેલા ભાથીજી મંદિર આસપાસ લારી પથારાવાળાના દબાણો હટાવવાની આજદિન સુધી ફારસ રહેલી કામગીરી આજરોજ કાબિલેદાદ રહી હતી. ભાથીજી મંદિર અને પોસ્ટ ઓફિસની આસપાસના તમામ દબાણો હટાવી લેતાં આજે આ વિસ્તારના જાહેર રસ્તાની પહોળાઈ બમણી જણાઈ આવી હતી. વહિવટી તંત્ર દ્વારા આજરોજ કરવામાં આવેલી કામગીરી દરમ્યાન દબાણકર્તા વેપારીઓ પાસેથી 47,000/ જેટલી માતબર રકમ દંડ પેટે સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી.