ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ એટલે પંચમહોત્સવ

  • આગામી તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન હાલોલના વડા તળાવ સાઈટ ખાતે પંચમહોત્સવ ઉજવાશે
  • જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પંચમહોત્સવના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ.

ગોધરા, પંચમહાલ જીલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ 2015થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ચાલુ વર્ષ 2023 દરમિયાન આગામી તા.25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા.હાલોલ ખાતે કરાશે.સદર મહોત્સવની વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ/કાર્યક્રમો માટેના સુચારૂ આયોજન અને અમલીકરણને લઈને જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે વિવિધ સબંધીત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા કલેકટરએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સુચારૂ સલાહ સૂચનો કર્યા હતા. આ દિવસો દરમિયાન કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.આ સાથે તમામ આયોજનને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. પંચમહોત્સવ સાઈટ ખાતે ક્રાફ્ટબજાર, સ્ટોલ, હેરિટેજવોક, ટેન્ટસિટી, ટ્રાઈબલફુડ, પેઈન્ટીંગપ્રદર્શન, સાઇકલયાત્રા, ફોટોગ્રાફી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જીલ્લા વન સંરક્ષક અધિકારી, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત સબંધિત અધિકારીગણ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.