હાલોલના ઈન્ચાર્જ ના.કલેકટર (પ્રાંત) અધિકારી દ્વારા તાજપુરા-ગોપીપુરા વિસ્તાર માંથી ઓવરલોડ માટી વહન કરતાં 7 હાઈવા સીઝ કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ

હાલોલ, હાલોલના ઈન્ચાર્જ ના.કલેકટર એસ.ડી.એમ. રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ગોપીપુરા-તાજપુરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી વહન કરતાં 7 હાઈવા ટ્રકોને ઝડપી પાડી સીઝ કરવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

હાલોલ પ્રાંત અધિકારીની બદલી થતાં પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને ઈન્ચાર્જ ના.કલેકટર એસ.ડી.એમ. હાલોલના ઈન્ચાર્જ મળ્યો છે. ઈન્ચાર્જ પ્રાંત અધિકારીએ ગુરૂવારે રાત્રીના સમયે હાલોલ મામલતદારની ટીમ સાથે ગોપીપુરા-તાજપુરા વિસ્તારમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ઓવરલોડ માટી ભરીને વહન કરતાં 7 જેટલા હાઈવા ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઓવરલોડ માટી ભરેલ હાઈવા ટ્રકોનું વજન કરાવી પ્રાંત કચેરી ખાતે લાવીને સીઝ કરવામાં આવ્યા હતા અને ઓવરલોડ માટી વહન કરતાં વાહનો વિરૂદ્ધ ગુજરાત પ્રિવેન્સન ઓફ ઈલ લીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજના રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવતાં હાલોલ તાલુકામાં ગેરકાયદેસર રાત્રીના અંધારામાં માટી ખનન કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે સસ્તા અનાજની સરકારી દુકાનોમાં ચાલતા ગેરવહિવટની ફરિયાદોને લઈ જીલ્લાના તમામ તાલુકાઓમાં તપાસ કરી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગેરવહિવટ આચરતા દુકાન સંચાલકોના પરવાના રદ કરવા તેમજ કાલોલ અને શહેરા પુરવઠા ગોડાઉન મેનેજર સહિત 6 દુકાનદારો મળી 8 વ્યકિતઓને પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે અને હાલમાં હાલોલ ના.કલેકટર પ્રાંત અધિકારીના ઇન્ચાર્જ તરીકે હાલોલ વિસ્તારમાં ઓવરલોડ માટી વહન કરતાં સાત વાહનોને સીઝ કરી દેતાં હાલોલ પંથકમાં ખનિજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.