67મી નેશનલ સ્કૂલ ખો-ખો ચેમ્પિયનશિપ 2023માં ગુજરાતની ટીમે મેળવ્યો સિલ્વર મેડલ

  • ખો-ખો રમતમાં પંચમહાલ જીલ્લાના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન,અજય ભાભોરને બેસ્ટ અટેકર ઓફ ટુર્નામેન્ટનો એવોર્ડ અપાયો

ગોધરા,મહારાષ્ટ્રના નાસિક ખાતે તા.03 ડિસેમ્બરથી તા.07 ડિસેમ્બર દરમિયાન 67મી નેશનલ અંડર 17 સ્કૂલ ખો-ખો ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું હતું. જેમાં ખો-ખોની રમતમાં ગુજરાતની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં ગુજરાતની ટીમ મહારાષ્ટ્ર સામે નજીવા અંતરથી હારીને સિલ્વર મેડલ મેળવ્યો છે.

ખો-ખો અંડર 17 ટીમમાં પંચમહાલ જીલ્લાના ડી.એલ.એસ.એસ. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જીલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હતા. આ સ્પર્ધામાં પંચમહાલના અજય ભાભોરને બેસ્ટ અટેકર ઓફ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો છે. જીલ્લાના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમાર, જીલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપસિંહ પસાયા, ડી.એલ.એસ.એસ.ના ટ્રસ્ટી, આચાર્ય સહિત તમામે આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહિત કરાય છે. પંચમહાલ જીલ્લા ખો-ખો કોચ રાહુલ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આ ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. પંચમહાલ જીલ્લાના ખેલાડીઓએ સૌપ્રથમવાર ખો-ખો રમતમાં સિધ્ધિ મેળવતા તેમનો પરિવાર સહિત જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.