ડાકોર બ્રિજ નીચે ચેતવણી બોર્ડના અભાવે આડેધડ વાહનોની પાર્કિંગ

ડાકોર, યાત્રાધામ ડાકોરમાં એક તરફ નિર્માણધિન બ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ બ્રિજ નીચે વાહન પાર્કિંગનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભિતી સેવાઈ રહી છે. રાજયમાં નિર્માણધિન બ્રિજ ધરાશાઈ થવાની ધટના છાશવારે બને છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચેતવણીના બોર્ડ ન મારતા રોષ ફેલાયો છે.

યાત્રાધામ ડાકોરમાં એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ તેની નીચે વાહન પાર્કિંગ અને લારી-ગલ્લાનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. બ્રિજની દરેક જગ્યા ઉપર ઉભા રહેલા લોકો પર જોખમ તોળાઈ રહ્યુ છે. પરંતુ પ્રશાસન દ્વારા કોઈપણ જગ્યા પર બોર્ડ મારવામાં આવ્યા નથી. વળી જવાબદાર અધિકારીઓ આ સમગ્ર બનાવથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. થોડા સમય અગાઉ નવસારી તાલુકામાં નિર્માણધિન બ્રિજ તુટી પડતા વાહનચાલકનુ મોત નીપજયું હતુ. ત્યારબાદ સફાળુ જાગેલ તંત્ર દ્વારા દરેક પિલ્લર પર બોર્ડ મારવામાં આવ્યા હતા. તેમજ નિર્માણધિન બ્રિજ નીચે થતાં વાહન પાર્કિંગ બંધ કરાવ્યા હતા. પરંતુ ડાકોરના નિર્માણધિન અધિકારીઓ આ બનાવથી કોઈ શીખ ન લીધી હોય તેમ દેખાઈ રહ્યુ છે.