BBCના નવા વડા તરીકે ભારતીય મૂળના સમીર શાહની પસંદગી : બ્રિટિશ સરકારનો નિર્ણય

લંડન, બ્રિટિશ સરકારે BBCના નવા વડા માટે ભારતીય મૂળના સમીર શાહનું નામ ફાઈનલ કર્યું છે. રિચર્ડ શાર્પને બદલવા માટે સરકારે પીઢ ટીવી પત્રકાર સમીર શાહનું નામ પસંદ કર્યું છે. રિચર્ડ શાર્પને એપ્રિલમાં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. શાહની નિમણૂકને સંસદીય સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવશે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે BBC નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

માહિતી અનુસાર, ૭૧ વર્ષીય સમીર શાહને સરકાર સાથે લાયસન્સ ફીમાં વધારા અંગે વાટાઘાટ કરવાનું કામ સોંપવામાં આવશે, જ્યાંથી બીબીસીને મોટાભાગનું ભંડોળ મળે છે. યુકે મીડિયાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે વડા પ્રધાન ૠષિ સુનકે વાર્ષિક ફીમાં નવ ટકાના વધારાને રોકવાની યોજના બનાવી છે, જે હાલમાં કુટુંબ દીઠ :૧૫૯ (૨૦૦) છે. સમીર શાહે ૪૦ વર્ષથી વધુ સમયથી ટેલિવિઝનમાં કામ કર્યું છે અને બીબીસીમાં કરંટ અફેયર્સ વડા સહિત ઘણી ભૂમિકાઓ નિભાવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારના પસંદગીના ઉમેદવાર તરીકે નામ આપવામાં આવતા તેઓ આનંદ અનુભવે છે.