શેર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ ૬૯,૫૨૧ અને નિફ્ટી ૨૦,૯૦૧ના સ્તર પર બંધ થયો

મુંબઇ, શેરબજાર આજે ઘટાડા પર બંધ થયું છે પરંતુ બીએસઇ પર કંપનીઓનું માર્કેટ કેપ ઐતિહાસિક સ્તરને સ્પર્શી ગયું છે. બીએસઇનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. ૩૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે. ગઈ કાલે બીએસઇ એમ-કેપ રૂ. ૩૪૮.૯૮ લાખ કરોડ હતું. બજાર બંધ થવા પર બીએસઇ સેન્સેક્સ ૧૩૨.૦૪ -૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૬૯,૫૨૧ ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે બીએસઇનો નિફ્ટી ૩૬.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકાના ઘટાડા પછી ૨૦,૯૦૧ ના સ્તર પર બંધ થયો હતો.

આજે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું પરંતુ આઈપીઓ માર્કેટમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ટાટા ટેક અને આઇઆરડીએના આઇપીઓને જબરજસ્ત પ્રતિસાદ મળતા હવે બીજી કંપની પણ બજારમાં ધમાલ મચાવવા આવી રહી છે. આ એક સ્ટેશનરી કંપની છે. જેનું ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ છે. આ કંપનીના આઈપીઓ ખુલતા પહેલા જ બજારમાં ચર્ચા જગાવી છે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપી આગામી સપ્તાહે શેરબજારમાં સબસ્ક્રીપ્શન માટે આવી રહ્યો છે. આ આઇપીઓ ૧૩ ડિસેમ્બરે બિડિંગ માટે ખુલશે અને ૧૫ ડિસેમ્બરે બંધ થશે. તે પહેલા, આ આઇપીઓ એક્ધર રોકાણકારો માટે ૧૨મી ડિસેમ્બરે ખુલશે.

શેરબજારમાં અદાણી જૂથના શેરો તેજીમાં જોવા મળી રહ્યા છે. જો કે અદાણી-હિંડનબર્ગ રિસર્ચનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. વર્ષની શરૂઆતમાં આવેલો આ મુદ્દો સમયાંતરે સામે આવતો રહે છે. તાજેતરમાં સેબી દ્વારા મોકલવામાં આવેલી નોટિસને કારણે મામલો ફરી સપાટી પર આવ્યો છે. અહેવાલ મુજબ, બજાર નિયામક સેબીએ લગભગ એક ડઝન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ તમામ એફપીઆઇ અદાણી ગ્રુપના શેર સાથે જોડાયેલા છે. અહેવાલ મુજબ,સેબીએ જે એફપીઆઇને કારણદર્શક નોટિસ મોકલી છે તેઓ અદાણી જૂથની કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સેબીની આ કાર્યવાહી બાદ કાલે શેરબજારની કેવી શરૂઆત રહેશે તે જોવાનું રહેશે.