જયપુર, રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી કોણ? આ અંગે જયપુરથી દિલ્હી સુધી હોબાળો ચાલી રહ્યો છે. ૩ સાંસદોના રાજીનામાં બાદ તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મહંત બાલકનાથે પણ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં તેઓ ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરને પણ મળ્યા હતા.
આ તરફ કિશનગંજના ધારાસભ્ય લલિત મીણાના પિતા હેમરાજ મીણાએ ધારાસભ્યોને હોટલમાં રોકવાના મામલે વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહ પર મોટા આરોપ લગાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય હેમરાજે કહ્યું કે સાંસદ દુષ્યંત તેમના પુત્ર અને ઝાલાવાડ-બારાંના ધારાસભ્યોને જયપુર લાવ્યા હતા. સાંજે જ્યારે લલિત ઘરે પાછો ન આવ્યો ત્યારે મેં તેની સાથે વાત કરી. તેણે કહ્યું કે હું સીકર રોડ પર એક રિસોર્ટમાં છું. આ લોકો મને અહીંથી આવવા દેતા નથી.એ પછી હું પણ રિસોર્ટ પર પહોંચી ગયો. મેં આ વાત પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને સંગઠન મહાસચિવ ચંદ્રશેખરને જણાવી. ત્યારપછી સીપી જોશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ અંતાના ધારાસભ્ય કંવરલાલ મીણાએ અમને લલિતને લાવતા રોક્યા હતા. તેમણે કહ્યું કે સાંસદ દુષ્યંત સાથે વાત કરો અને પછી જ લઈને જાઓ. મેં દુષ્યંત સિંહને ફોન કર્યો, પણ તેમણે ફોન ઉપાડ્યો નહીં. તેમણે અમારા પર દબાણ કર્યું. એ પછી અમે લલિતને લઈ આવ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે મોડી રાત્રે સિકર રોડ પર એક હોટલમાં ભાજપના ૫-૬ ધારાસભ્યો રોકાયા હતા. તેમાં કિશનગંજના ધારાસભ્ય લલિત મીણા પણ સામેલ હતા. સાથી ધારાસભ્યોની વાતો અને હાવભાવ જોઈને લલિતને શંકા થઈ કે પાર્ટીના કોઈ મોટા નેતાના ઈશારે લોબિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ કોટપુતલીથી આગળ કોઈ હોટલમાં જવાની વાત કરી રહ્યા હતા.
લલિતે તેના પૂર્વ ધારાસભ્ય પિતા અને પાર્ટીના કેટલાક નેતાઓ સાથે વાત કરી હતી. આ પછી પિતા પોતે હોટલ પહોંચ્યા અને પુત્ર લલિતને લઈને આવ્યા. લલિતે આ ઘટના અંગે રાજ્યના સિનિયર નેતાઓને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી ધારાસભ્યોની હિલચાલ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. તેમજ બુધવારે પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અયક્ષ સીપી જોશી અને સંગઠન મહાસચિવ ચંદ્રશેખર ધારાસભ્યો સાથે ચર્ચા કરતા રહ્યા હતા. ઘટનાને લઈને પ્રદેશ પ્રમુખ સીપી જોશીએ કહ્યું- મને હોટલ વગેરે વિશે ખબર નથી, પરંતુ એ વાત સાચી છે કે હું મંગળવારે સાંજે લલિત મીનાના પિતાને મળ્યો હતો. હું છેલ્લા ૨૪ કલાકમાં ૩૨થી વધુ ધારાસભ્યોને મળ્યો છું. રાજ્ય પ્રભારી અરુણ સિંહે કહ્યું- હું ચિંતિત નથી અને આ કોઈ ખાસ વાત નથી. મારે કહેવું જોઈએ કે કાર્યર્ક્તાઓ અને ધારાસભ્યો માટે પાર્ટી કાર્યાલય મંદિર જેવું છે અને અહીં શ્રદ્ધા રાખવી જોઈએ.
રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે મોડી સાંજે પીએમ આવાસ પર બીજેપી નેતાઓ સાથે બેઠક કરી હતી. પૂર્વ સીએમ વસુંધરા રાજે બુધવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યાં હતાં. તે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે જયપુર એરપોર્ટથી નીકળ્યાં હતાં. એવું પણ માનવામાં આવે છે કે જ્ઞાતિ સમીકરણો અને લોક્સભા ચૂંટણી બંનેને ધ્યાનમાં રાખીને નવા સીએમની સાથે બે ડેપ્યુટી સીએમનાં નામની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજસ્થાન ભાજપમાં આ પહેલીવાર છે જ્યારે મુખ્યમંત્રીને લઈને અટકળો છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીને જ ચૂંટણી લડે છે, તેથી પરિણામ જાહેર થયા પછી ક્યારેય કોઈ મૂંઝવણ થઈ નહોતી. પહેલાં ભૈરોંસિંહ શેખાવત બીજેપીના સીએમ ફેસ હતા. વસુંધરા રાજેને ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં પહેલાંથી જ સીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યાં હતાં.૨૦૦૩ અને ૨૦૧૩માં વસુંધરા રાજે સીએમ બનશે તે પહેલાંથી જ નક્કી હતું, તેથી પરિણામ જાહેર થયા બાદ જ સીએમના શપથનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, ધારાસભ્ય દળની બેઠકમાં નામની જાહેરાત માત્ર ઔપચારિક્તા હતી. બંને વખત વસુંધરા રાજેએ ૧૩ ડિસેમ્બરે શપથ લીધા હતા.
દરમિયાન રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોક્સભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોક્સભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોક્સભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું.
બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને ઝ્રસ્ બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.લોક્સભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના નવ સાંસદોના રાજીનામા સ્વીકારી લીધા છે જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બુધવારે રાજીનામું આપ્યું હતું. ગુરુવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બિરલાએ ગૃહને આ અંગે માહિતી આપી હતી.