ગુજરાતમાં મારૂતી ઈલેકટ્રીક વાહનોનાં ઉત્પાદન માટે રૂા.૩૧૦૦ કરોડનુ રોકાણ કરશે

અમદાવાદ, મારૂતી સુઝુકીની સંપૂર્ણ માલીકીની પેટા કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ ગુજરાત સ્થિત એકમમાં રૂા.૩૧૦૦ કરોડના રોકાણ ખર્ચે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૫ થી ઈલેકટ્રીક વાહનો (ઈવી) નુ ઉત્પાદન શરૂ કરશે. જે એસયુવી લાઈટ સ્પેસીફીક વ્હીકલ રહેશે. કંપની આ માટે ચોથી લાઈન શરૂ કરશે અને હાલ પ્લાન્ટનું કામકાજ શરૂ કરાયું છે.કંપની હાંસલપુરમાં પેસેન્જર વાહનોનાં ઉત્પાદનની ત્રણ લાઈન ધરાવે છે.

કંપનીએ અગાઉ ગુજરાત સરકાર રૂા.૧૦,૫૦૦ કરોડના રોકાણનાં કરાર કર્યા હતા. તેના ભાગરૂપે રૂા.૩,૧૦૦ કરોડનું રોકાણ ઈવીના ઉત્પાદન પાછળ કરશે.કંપની માંગ પ્રમાણે ઉત્પાદન કરશે અને ૨૦૩૧ સુધીમાં કંપની પોર્ટફોલીયોમાં ૫-૬ નવી ઈવીનો ઉમેરો કરશે.

આ ઉપરાંત કંપની રૂા.૭૩૦૦ કરોડના ખર્ચે બેટરી પ્લાન્ટ સ્થાપશે જે ૨૦૨૬ સુધીમાં શરૂ થશે તેમજ રૂા.૪૫ કરોડના ખર્ચે વ્હીકલ રિસાયકલીંગ પ્લાંટ શરૂ કરશે તેમ કંપનીનાં એકઝીકયુટીવ ડિરેકટર રાહુલ ભારતીએ જણાવ્યુ હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે એસએમજીએ ફેબ્રુઆરી ૨૦૧૭ માં કામગીરી શરૂ કરી હતી અને લગભગ ૬ વર્ષ અને ૧૧ મહિનાના ગાળામાં ૩૦ લાખ યુનિટસનાં ઉત્પાદન હાંસલ કર્યુ છે.છેલ્લા ૧૦ લાખ યુનિટસનું ઉત્પાદન માત્ર ૧૭ મહિનામાં કરવામાં આવ્યું હતું.મારૂતી સુઝુકીની આ ગુજરાત સુવિધાની વાષક ઉત્પાદન ક્ષમતા ૭.૫ લાખ યુનિટ છે.

પેસેન્જર કારમાં ઈવીનો વ્યાપ આગામી સમયમાં ઝડપી વધશે.દેશમાં અત્યારે માત્ર બે ટકા જ હિસ્સો છે. તે વધીને ૨૦૩૦ સુધીમાં ૩૦ ટકા સુધી પહોંચશે. આમ છતાં અન્ય ઉર્જાથી ચાલતા વાહનોનું માર્કેટ ૭૦ ટકા રહેતા કંપની મોટા માર્કેટની જરૂરીયાત અનુસાર વાહનોનું ઉત્પાદન જાળવી રાખશે. કંપની હાઈબ્રીડ મોડલ પર વધુ ફોક્સ આપી રહી છે. જે મીડ અને અપર સેગમેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. કંપનીની ઈવી વાહનો ૫૫૦ કી.મી.ની રેન્જ સાથે ૬૦ કિલોવોટની બેટરી ધરાવતા હશે. કંપની હાલ સૌથી ઝડપી વિક્સી રહેલા એસયુવી સેગમેન્ટમાં ૨૪ ટકાનો હિસ્સો ધરાવે છે.