અમેરિકાની નેવાદા યુનિવર્સિટીમાં ગોળીબાર, ૩ના મોત ૧ વ્યક્તિ ઘાયલ

સાલવેગાસ, અમેરિકાના લાસ વેગાસ શહેરમાં સ્થિત નેવાદા યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શંકાસ્પદ હુમલાખોરનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી ઓફ નેવાદા, લાસ વેગાસ કેમ્પસમાં થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ચોથો ગંભીર રીતે ઘાયલ થયો હતો. શંકાસ્પદ શૂટર પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ ૧૧:૪૫ વાગ્યે થયો હતો.

રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે જણાવ્યું કે, આ ઘટના યુનિવર્સિટી ની અંદર બીમ હોલની આસપાસ બની હતી. અહીં બિઝનેસ સ્કૂલ અને અન્ય સુવિધાઓ છે. જો કે હજુ સુધી પીડિતો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસને પણ વિદ્યાર્થીઓને વિસ્તાર ખાલી કરવાની અપીલ કરી છે. જો કે લાસ વેગાસ પોલીસ ચીફે કહ્યું કે કેમ્પસ હવે સુરક્ષિત છે, અહીં કોઈ ખતરો નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ઘણા પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. પરંતુ ફાયરિંગ શા માટે થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.