ચીનને ઝટકો:વિવાદિત બીઆરઆઇ પ્રોજેક્ટમાંથી ઇટલી બહાર નીકળી ગયું

ચીનના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ BRIમાંથી ઇટલીએ એક્ઝિટ કરી છે. આ અંગે ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ ભારતમાં જી20 શિખર સંમેલન દરમિયાન વ્યક્તિગત રીતે ચીનના વડાપ્રધાન લી કિયાંગ કોને જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઇટલી આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાંથી બહાર થઇ જવાનો નિર્ણય લઇ ચૂક્યું છે, કારણ કે તેના માટે કરવામાં આવેલી સમજૂતી અમારી આશા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.

ઇટલીએ હવે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટમાંથી બહાર થવાની જાહેરાત કરી છે. ઇટલી હવે ભારતની સાથે વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવા માંગે છે. તેમણે જી20 દરમિયાન એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ઇટલીની પીએમ મેલોનીના નેતૃત્વવાળા એક જૂથે આ અંગે ચીનની સરકારને જાણકારી આપી છે.સમાચાર અનુસાર ઇટલીએ ત્રણ દિવસ પહેલાં ચીનને BRI પ્રોજેક્ટમાંથી એક્ઝિટ માટેની જાણકારી આપી હતી. ઇટલી 4 વર્ષ પહેલાં બીઆરઆઇમાં સામેલ થયું હતું અને ત્યારે 23 માર્ચ, 2019ના રોજ તત્કાલીન ઇટાલિયન પીએમ ગ્યુસેપ કોંટેએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ઇટલી આવું પગલું લેનારો એકમાત્ર પશ્ચિમી દેશ બની ગયો હતો. રિપોર્ટ અનુસાર ઇટલી અને ચીન વચ્ચે અનેક સપ્તાહ સુધી પડદાની પાછળ અનેક તબક્કામાં વાટાઘાટો થવા છતાં કોઇ ફાયદો થયો ન હતો.

એક તરફ ઇટલીએ ચીનને ઝટકો આપ્યો છે અને બીજી તરફ તેઓ ભારતની સાથે સંબંધોને નવી ઊંચાઇ આપી રહ્યા છે. વાસ્તવમાં નવી દિલ્હીમાં આયોજિત જી20 શિખર સંમેલન દરમિયાન ભારત, અમેરિકા, ઇટલી, સાઉદી અરબ, ફ્રાન્સ, જર્મની અને યુરોપિયન યુનિયને એક સાથે મળીને IMEC પ્રોજેક્ટ પર સહમતિ વ્યક્ત કરતા એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ નવો પ્રોજેક્ટ ચીનના બીઆરઆઇનો જવાબ મનાય છે. આ નવા પ્રોજેક્ટથી ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપથી સીધુ જ જોડાઇ જશે અને વ્યાપારિક સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.