શહેરા પુરવઠા ગોડાઉન ખાતે ત્રણ દિવસ બાદ ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થઈ

  • વહેલી સવારથી ખેડૂતો ડાંગર વેચવા માટે આવી ગયા હતા.
  • પુરવઠા ગોડાઉન માં મેનેજર નહિ હોવાથી 95 સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સહિતનો જથ્થો પહોંચાડવાની કામગીરી થઈ શકી નહીં.
  • તાલુકામાં આવેલ 95 સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો હજી સુધી પહોંચી શક્યો નથી.

શહેરા,શહેરા પુરવઠા ગોડાઉન ખાતે ત્રણ દિવસ બાદ ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જોકે આ પુરવઠા ગોડાઉન માંથી નગર અને તાલુકામાં આવેલ 95 સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવામાં આવતો રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો હજુ સુધી પહોંચી શક્યો નથી. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં વહેલી તકે અનાજનો જથ્થો પહોંચે એવું આયોજન કરવામાં આવે એ જરૂરી લાગી રહયુ છે.

શહેરા મામલતદાર કચેરીની પાછળ પુરવઠા ના ગોડાઉનમાં ત્રણ દિવસ બાદ ગુરૂવારના રોજથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થતા સવારથી ખેડૂતો પુરવઠા ગોડાઉન ખાતે ડાંગર લઈને આવી ગયા હતા. વાતાવરણમાં વારંવાર પલટો આવવાના કારણે ખેડૂતો પણ ચિંતિત થઈ ઊઠ્યા હતા. ત્યારે અહીં ફરીથી ડાંગરની ખરીદી શરૂ થતા ડાંગર વેચવા આવેલા ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી હતી. જોકે ડિસેમ્બર માસની સાત તારીખ થવા સાથે આ પુરવઠાના ગોડાઉન માંથી નગર અને તાલુકામાં આવેલ 95 સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી અનાજ સહિતનો જથ્થો પહોંચાડવામાં આવ્યો નથી. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો વહેલી તકે પહોંચે એવું આયોજન કરવામાં આવે એ હાલના પરિસ્થિતિને જોતા જરૂરી લાગી રહ્યું છે. જોકે, તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં એક થી પાંચ તારીખ સુધીમાં રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો પહોંચી જાય તો રેશનકાર્ડ ધારકોને વહેલી તકે મળવા પાત્ર જથ્થો પણ મળી શકે તો નવાઈ નહી. પુરવઠા ગોડાઉન ખાતે મેનેજરની નિમણૂંક કરવામાં ન આવી હોવાથી ઓફિસના દરવાજા પર તાળા લાગેલ જોવા મળવા સાથે અહીં માત્રને માત્ર ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગોડાઉન મેનેજર સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા કચ્છ, ભુજ જેલ ખાતે ગોડાઉન મેનેજરને મોકલી દેવામાં આવતા પુરવઠા ગોડાઉનની સંપૂર્ણ કામગીરી સોમવાર થી બુધવાર સુધી ત્રણ દિવસથી બંધ હોવા છતાં આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા જે ગંભીરતા લેવામાં આવી જોઈએ એ હજુ સુધી લેવામાં નહી આવી હોય એના કારણે આ પુરવઠા ગોડાઉન ખાતે ઓફિસને તાળા લાગેલ જોવા મળવા સાથે ગોડાઉન મેનેજરની નિમણુંક ક્યારે કરશે. ત્યારબાદ તાલુકામાં આવેલાની સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સહિતનો જથ્થો પહોંચશે કે શું ? જોકે જીલ્લા પુરવઠા અધિકારીની અસરકારક કાર્યવાહીના કારણે અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.