કાલોલ ના.મામલતદાર પુરવઠા કચેરી ત્રણ દિવસથી બંધ રહેતા કાર્ડ માટે આવતાંં અરજદારો પરેશાન

કાલોલ, કાલોલ તાલુકાના નાયબ મામલતદાર પુરવઠાની કચેરી છેલ્લા બે-ત્રણ દિવસ થી સતત બંધ રહેતા તાલુકા માંથી કાર્ડ માટે આવતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. નાયબ મામલતદાર પુરવઠા અને તેઓનો સ્ટાફ વિકસીત સંકલ્પ યાત્રામાં હાજર રહેતા હોવાથી કચેરી ખાતે હાજર રહેતા નથી. પરિણામે નવા કાર્ડ, કાર્ડ વિભાજન, નામ સુધારો જેવા સરકારી કામો માટે આવતા ગ્રામજનોને ધક્કા ખાઈ પાછુ જવાનુ થાય છે. પુરવઠા કચેરી સતત બંધ રહેવાથી અને કાલોલ પુરવઠા ગોડાઉન મેનેજરની ધરપકડ થયા બાદ ગોડાઉન પણ સતત બંધ જોવા મળી રહેલ છે. ત્યારે કાલોલ પુરવઠા વિભાગના અધિકારીઓ વિકસિત સંકલ્પ યાત્રામાં જતા હોવાને કારણે કચેરી બંધ રાખતા હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર દ્વારા ગામે ગામ ધરે બેઠા સરકારી યોજનાઓનો લાભ આપવા વિવિઘ યાત્રાઓ કાઢી બહોળો પ્રચાર પ્રસાર કરવામા આવે છે. પરંતુ ઘર આંગણે તાલુકા કક્ષાએ જરૂરિયાતમંદ કાર્ડ ધારકોને ધક્કા ખાવા પડે છે. જે વિકસિત સંકલ્પ યાત્રાની આડ અસર કહી શકાય. ત્યારે વહીવટી તંત્ર દ્વારા યાત્રા પણ ચાલુ રહે અને તાલુકાની કચેરીઓ પણ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

મારા રેશન કાર્ડ માંથી નામ કમી કરાવવા માટે આજે ચોથીવાર આવ્યો છું, પણ પુરવઠા કચેરી બંધ જોવા મળી છે. હું વેજલપુર થી આવ્યો છું. આજે પણ પરત જવું પડે છે.:-રાયજીભાઈ પ્રતાપભાઈ....