ખેડાના કલોલી દુધ મંડળીના પુર્વ ચેરમેન સામે 1.02 કરોડની ઉચાપતની ફરિયાદ

નડિયાદ, ખેડા તાલુકાના કલોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના પુર્વ ચેરમેને પશુના ધિરાણના નાણાં રૂ.1,02,21,075ની ઉચાપત કર્યાનુ ઓડિટ રિપોર્ટમાં ઉજાગર થયુ હતુ. આ અંગે જિલ્લા રજીસ્ટ્રાર નડિયાદ એ કાયમી ઉચાપત કર્યાની ફરિયાદ કરવા જણાવતા મંડળીના ચેરમેને દુધ મંડળીના પુર્વ ચેરમેન સહિત 11 જવાબદાર વ્યકિતઓ સામે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઉચાપતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે ચંદ્રસિંહ ધિરૂભાઈ વાઘેલા ફરજ બજાવે છે. દુધ મંડળીના વાઈસ ચેરમેન દશરથભાઈ મંગળભાઈ સોલંકી તેમજ અનીલભાઈ ભીખાભાઈ ગોહીલ સહિત નવ સભ્યો વ્યવસ્થાપક સમિતિમાં આવેલા છે. દુધ મંડળીના હિસાબોનુ તા.1 એપ્રિલ 2019થી તા.31 માર્ચ 2022 સુધીનુ કે.કે.પરમાર ઓડિટર, સહકારી મંડળી મિલ્ક ઓડિટ ઓફિસ આણંદ દ્વારા તા.2 જુલાઈન 2022ના રોજ ઓડિટ પુર્ણ કરવામાં આવ્યુ હતુ. આ ઓડિટ દરમિયાન ઓડિટ સમય અગાઉ દુધ વધારાને પ્રોત્સાહન આપવા ભેંસ ધિરાણ તથા ડીડીએફ ધિરાણ હેઠળ જુદી જુદી યોજનાઓ હેઠળ કેડીસીસી બેંક નવાગામ તથા ખેડા જિલ્લા દુધ સંઘ મારફતે લોન મેળવી સભાસદોને પશુ ધિરાણ કર્યુ હતુ. જેમાં સભાસદ ધિરાણ-1 ખાતે રૂ.39,59,062 તથા સભાસદ ધિરાણ-2 ખાતે રૂ.44,50,110 તથા ધિરાણ-3 ખાતે રૂ.30,69,367 તથા ડીડીએફ ધિરાણ ખાતે રૂ.5,38,640 મળી કુલ રૂ.1,20,17,180 પૈકી હંગામી ઉચાપત રૂ.2,43,043 તથા રૂ.99,78,031 કાયમી ઉચાપત માટે પુર્વ ચેરમેન જયંતિભાઈ પ્રહ્લાદભાઈ પટેલ તથા લોન મંજુર કરનાર તથા તમામ વ્યવસ્થાપક કમિટિના સભ્યોને જવાબદાર ગણવામાં આવ્યા છે. આમ દુધ મંડળીના પુર્વ ચેરમેન જયંતિભાઈ પટેલે સભાસદોને પશુ ધિરાણ આપવાના બહાને કુલ રૂ.1,02,21,075 પોતાના અંગત કામમાં વાપરી નાંખી કાયમી ઉચાપત કરી હોવાનુ ઓડિટમાં જણાઈ આવતા આ બાબતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, નડિયાદ દ્વારા તા.8મી મે 2023ના પત્રથી કાયમી ઉચાપત બાબતે ચેરમેન, દુધ મંડળી કરોલીને ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.

જેથી કલોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ચંદ્રસિંહ ધિરૂભાઈ વાઘેલાએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયંતિભાઈ પટેલ (પુર્વ ચેરમેન), ભુપેન્દ્રભાઈ રમણભાઈ પંચાલ, દિનેશ જગજીવનભાઈ પટેલ, મહેન્દ્ર નટવરભાઈ પટેલ, રતિલાલ મોહનભાઈ મકવાણા, સુરેશ શનાભાઈ રાવળ, કમાભાઈ અરજણભાઈ પટેલ, રણજીતભાઈ ધિરૂભાઈ રાવલ, અતુલ વાસુદેવભાઈ પટેલ, ધનશ્યામ બળદેવભાઈ ગોહેલ તથા મહેશ ગોધરનભાઈ જોશી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.