ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇરાને પ્રાણીઓથી ભરેલી ‘કેપ્સ્યુલ’ હવામાં છોડતાં અવકાશમાં ખળભળાટ

અલઅવીવ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાને શાનદાર કામ કર્યું છે. આનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. એક તરફ ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ સામે લડી રહી છે તો બીજી તરફ ઈરાને એક મોટું સ્પેસ મિશન લોન્ચ કરીને ઈઝરાયલ અને અમેરિકાને ચોંકાવી દીધા છે. યુદ્ધની વચ્ચે ઈરાને અંતરિક્ષમાં પ્રાણીઓથી ભરેલી કેપ્સ્યુલ છોડી દીધી છે. આ કેપ્સ્યુલમાં એક નહીં, બે નહીં… પરંતુ અનેક પ્રાણીઓ છે. ઈરાને આ કેપ્સ્યુલને અવકાશમાં છોડ્યા બાદથી હોબાળો મચી ગયો છે. ઈરાનના આ સ્પેસ મિશન પર અમેરિકા અને ઈઝરાયેલ અને દુનિયાના અન્ય દેશોની ખૂબ જ ચાંપતી નજર છે.

હવે તમે વિચારતા હશો કે યુદ્ધ વચ્ચે ઈરાને આ પ્રાણીઓને અંતરિક્ષમાં કેમ મોકલ્યા?… તમને જણાવી દઈએ કે ઈરાન આવનારા વર્ષોમાં અંતરિક્ષમાં એક મોટા માનવ મિશનની તૈયારી કરી રહ્યું છે. ઈરાને બુધવારે કહ્યું કે તેણે આવનારા વર્ષોમાં માનવ મિશનની તૈયારીમાં આ ’કેપ્સ્યુલ’માં પ્રાણીઓને અવકાશની કક્ષામાં મોકલ્યા છે. જેથી આગામી મિશનમાં મનુષ્યને અવકાશમાં મોકલી શકાય. ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઇરાનેે ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર ઈસા ઝારેપુરને ટાંકીને કહ્યું કે કેપ્સ્યુલને ૧૩૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવી હતી.

જરેપુરે જણાવ્યું કે આ કેપ્સ્યુલનું વજન ૫૦૦ કિલો છે. તેમાં અનેક પ્રકારના પ્રાણીઓ છે. કેપ્સ્યુલના લોન્ચિંગનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં ઈરાની અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો છે. કેપ્સ્યુલમાં કયા પ્રકારના પ્રાણીઓ હતા તે તેમણે જણાવ્યું ન હતું. ઈરાન ઉપગ્રહો અને અન્ય અવકાશયાનના સફળ પ્રક્ષેપણની જાહેરાત કરવાનું ચાલુ રાખે છે. સપ્ટેમ્બરમાં, ઈરાને કહ્યું હતું કે તેણે અવકાશમાં ડેટા એકત્ર કરનાર ઉપગ્રહ મોકલ્યો છે. ઈરાને ૨૦૧૩માં કહ્યું હતું કે તેણે એક વાંદરાને અવકાશમાં મોકલ્યો હતો અને સફળતાપૂર્વક તેને પૃથ્વી પર પાછો લાવ્યો હતો.