ભરૂચ, નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે રણજીતસિંહ જેસંગબાવા રાજ રહેવાસી નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગની ધરપકડ કરી છે.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના વળે તથા નશાયુક્ત પદાર્થનુ વેચાણ અટકાવવા સાથે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ ના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી તથા પો.ઈન્સ. એમ.વી.તડવીએ પોતાની ટીમ એક્ટિવ કરી હતી.
અધિકારીઓના આધારે તપાસ શરુ કરનાર હે.કો.ભાવસીંગભાઈ નગીનભાઈનાઓને મળેલ બાતમી આધારે રેડ કરતા આરોપી રણજીતસિંહ જેસંગબાવા રાજ પોતાના ઘરની પાછળ વાડામાં વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડની ખેતી મળી આવતા આરોપી વિરૂધ એન.ડી.પી.એસ.એકટ મુજબ નેત્રંગ પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામની આગળની વધુ તપાસ પો.ઈન્સ.વાલીયા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે.
ગુનામાં ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલની વિગત જોઇએ તો રણજીતસિંહ જેસંગબાવા રાજ રહે. નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગ તા.નેત્રંગ, જિ.ભરૂચ,વનસ્પતિજન્ય ગાંજાના છોડ જેનુ કુલ વજન-૧૧.૩૦૩ કિ.ગ્રા. અને કિંમત રૂપિયા ૧.૧૩ લાખ કબ્જે કરવામાં આવ્યા છે,
ભારતમાં કેનાબીસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં કેટલાક લોકો તેનો વેપાર કરે છે અને ગુપ્ત રીતે તેનું સેવન કરે છે. વાસ્તવમાં આપણા દેશમાં છેલ્લા હજારો વર્ષોથી ગાંજાનું સેવનનું વ્યસન કરવામાં આવે છે. ૧૯૮૫ સુધી ગાંજા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હતો પરંતુ રાજીવ ગાંધીની સરકારે ૧૯૮૫માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલેકે એનડીપીએસ એક્ટ લગાવ્યો હતો.આ કાયદા હેઠળ ગાંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગાંજા વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. મારિજુઆનાના ગેરફાયદા દર્શાવનારાઓની સાથે તેના ફાયદાઓ દર્શાવનારા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ સાથે દેશમાં છેલ્લા ઘણા સમયથી ગાંજા પર લાગેલા પ્રતિબંધને હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.