ખેડા, ખેડામાં બિલોદરા નસાકારક સીરપ કાંડમાં વધુ એક મોતનું થતાં મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા સાથે મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્ર્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
ખેડા સિરપકાંડની પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. વિગતો મુજબ આ કેસના મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હતી. યોગેશને સિરપની ફોર્મ્યૂલા જેલમાં આરોપી પાસેથી મળી હતી. આ સાથે જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સિરપ બનાવવામાં ઈથેનોલ જેવું કેમિકલ વપરાતું હતું જે કેમિકલ તેઓ મુંબઈના તૌફિક નામના રિટેલર પાસેથી લાવતા હતા. આ સાથે કેમિકલમાં અન્ય પદાર્થ ઉમેરી ફેક્ટરીમાં જ બોટલો પેક કરાતી હતી.
આ તરફ પોલીસને તપાસ દરમિયાન બોટલો અને પ્રવાહી મળ્યું હતું. આ ઇસમો કેમિકલ લાવી મોકમપુરા સ્થિત ફેક્ટરીમાં સિરપ બનાવી હતી. જેને લઈ ખેડા, આણંદ, વડોદરામાં સીરપ પહોંચાડવાનું નેટવર્ક બનાવ્યું હતુ. પોલીસે કેમિકલ આપનાર મુંબઈના તૌફિકની પણ ધરપકડ કરી છે. આ સાથે વિગતો મુજબ હાલમાં પોલીસ અન્ય એક આરોપીની પણ શોધખોળ કરી રહી છે.