ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. જેને ભારતીય ટીમે 4-1 થી પોતાને નામ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા સિરીઝમાં 4 મેચમાં જીત હાંસલ થઈ હતી. ભારતીય બેટર્સનુ પ્રદર્શન શરુઆતથી જ જબરદસ્ત જોવા મળ્યુ હતુ. જેનો ફાયદો આઈસીસી રેન્કિંગમાં જોવા મળ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝ સમાપ્ત થયા બાદ હવે સૌની નજર દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટની રમત રમશે. આગામી 10 ડિસેમ્બરથી T20 સિરીઝ શરુ થનારી છે. આ પહેલા આઈસીસી રેન્કિંગથી ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશ કરી દેતા સમાચાર આવ્યા છે. એક બેટર અને એક બોલર ટોપ 10 માં સામેલ થયા છે. જે બંને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા ખૂબ જ પાછળ હતા.
સૌથી પહેલા વાત સૂર્યકુમાર યાદવની કરી લઈએ. સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળ્યુ હતુ અને T20 સિરીઝમાં શાનદાર જીત અપાવી હતી. સૂર્યાએ T20 ફોર્મેટમાં નંબર-1 બેટર છે. તે તાજા રેન્કિંગ મુજબ મજબૂતાઈથી આ સ્થાન પર જમાવટ જાળવી રાખી છે. તેણે 15 અંક પોતાના ખાતામાં નવા જોડ્યા છે. હવે તે 881 પોઈન્ટ સાથે સૌથી આગળ છે. તેના બાદ મોહમ્મદ રિઝવાન 787 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. એડન માર્કરમ 756 અંક સાથે ત્રીજા અને 734 અંક સાથે બાબર આઝમ ચોથા સ્થાને છે.
ઋતુરાજ ગાયકવાડે શાનદાર દેખાવ ઓસ્ટ્રેલિયા સામે કર્યો છે. ઓપનર તરીકે તેણે કરેલ શાનદાર બેટિંગને લઈ તે હવે 79 ક્રમેથી છલાંગ લગાવીને સીધો જ 7માં ક્રમે પહોંચ્યો છે. ગાયકવાડે જબરદસ્ત કુદકો માર્યો છે. ગાયકવાડ 673 અંક ધરાવે છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે એક અણનમ સદી વડે 223 રન T20 સિરીઝમાં નોંધાવ્યા હતા.
રવિ બિશ્નોઈએ પણ શાનદાર પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં કર્યુ છે. તે 665 અંક સાથે હવે ટોપ-5 માં સામેલ થઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ થયો હતો. તેણે સિરીઝમાં 9 વિકેટ ઝડપી હતી અને કરકસર ભરી બોલિંગ કરી હતી.
બોલિંગ વિભાગમાં દુનિયાના નંબર 1 બોલર T20 ફોર્મેટમાં અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન છે. તે 692 અંક ધરાવે છે. શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા 679 અંક સાથે બીજા સ્થાને છે. જ્યારે આદિલ રાશિદ એટલા જ અંક સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને 677 અંક સાથે મહિષ તિક્ષાના છે. જેના બાદ રવિ બિશ્નોઈનુ સ્થાન છે. વર્તમાન પ્રદર્શન જાળવી રાખી દક્ષિણ આફ્રિકામાં બોલિંગ કરશે તો બિશ્નોઈને માટે હજુ સ્થાનમાં સુધારો થઈ શકશે.