રશિયાના પરમાણુ યુનિટે શરૂ કરી હુમલાની તૈયારીઓ : રક્ષા મંત્રીએ પુતિનને કહ્યું પરમાણુ હુમલો કેવી રીતે અને ક્યાં થશે

યુક્રેન પર રશિયાનો બોમ્બમારો સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશો બેલારુસમાં વાતચીત કરી રહ્યા છે. મંત્રણા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું અમે આ સંવાદ સફળ થવાની આશા નથી રાખતા, પરંતુ શાંતિ માટે પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી.બીજી તરફ 16 કલાકમાં યુક્રેન પર કબજો કરવાનું સપનું બરબાદ થતું જોઈને હવે વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ભયાનક યોજના બનાવી છે.

રશિયન મીડિયા એજન્સી ‘સ્પુટનિક’એ આ વાતની પુષ્ટિ કરી છે. પરમાણુ કમાન્ડ દ્વારા કમાન્ડ કરાયેલા એકમોની રજા રદ કરી દેવામાં આવી છે અને તેમને હુમલાની તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ સોમવારે બપોરે રાષ્ટ્રપતિ પુતિનને હુમલાની યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી. તમામ પરમાણુ મિસાઇલોને ફાયરિંગ મોડ પર મૂકવામાં આવી છે.સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રણા શરૂ થાય તે પહેલાં યુક્રેને રશિયાને યુક્રેન બોર્ડર પરથી પોતાની સેના પાછી ખેંચવા કહ્યું હતું. બીજી તરફ બેલારુસ રશિયાને સમર્થન આપવા યુક્રેનમાં સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

પુતિનનો જુસ્સો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી

આ મુકાબલો રોકવા અને રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો પણ ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના વિશેષ કટોકટી સત્રમાં મોકલવા માટે મતદાન કર્યું. પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત મળ્યા હતા. ભારત, ચીન અને UAEએ ફરી મતદાનથી અંતર જાળવી રાખ્યું છે.યુરોપિયન દેશ લાતવિયાએ તેના નાગરિકોને યુક્રેનના યુદ્ધમાં સામેલ થવાની મંજૂરી આપી છે. અહીં સંસદે એક ઠરાવ પસાર કર્યો. તે કહે છે કે જો લાતવિયાના સામાન્ય લોકો યુક્રેનમાં લડવા માંગતા હોય તો તેઓ જઈ શકે છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વિશ્વભરના લોકોને રશિયા સામેની લડાઈમાં સામેલ થવાની અપીલ કરી હતી.

યુક્રેન યુદ્ધમાં વર્તમાન સ્થિતિ

યુક્રેને કહ્યું કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 352 લોકોના મોત થયા છે, જેમાં 14 બાળકો પણ સામેલ છે. આ સિવાય 1,684 લોકો ઘાયલ થયા છે. યુએન અનુસાર, યુક્રેન સિવાય અન્ય દેશોમાં શરણાર્થીઓની સંખ્યા વધીને 3 લાખ 86 હજાર થઈ ગઈ છે.