ખાનપુર તાલુકાના ગાંગટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષભેર સ્વાગત

ખાનપુર, વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીનો રથ મહીસાગર જીલ્લા 6 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ ખાનપુર તાલુકાના ગાંગટા ગામે આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન ડામોર, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, તાલુકા વિકાસ અધિકારી યજ્ઞેશકુમાર અડ સહીત અગ્રણી મહાનુભાવોના હસ્તે ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકિય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. જયારે ગાંગટા પ્રાથમિક શાળાના તેજસ્વી તારલા તેમજ ગ્રામ પંચાયતનું બહુમાન કર્યું હતું. વધુમાં તેમણે યાત્રાના કાર્યક્રમના સ્થળ ઉપર ઉભા કરવામાં આવેલ યોજનાકિય પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ જાણકારી મેળવી કોઈપણ લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભ લેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ગીરીશભાઈ ચમારે જણાવ્યું હતું કે તેમનું અગાઉ કાચું મકાન હતું તેનાથી મારે પારાવાર મુશ્કેલી પડતી હતી પરંતુ મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો પાકું મકાન બની ગયું. જેમાં તમામ સુવિધા છે તેમણે આ પ્રધાનમંત્રી આવાસ યોજના બદલ મોદી સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. ગાંગટા ગામના દીપકકુમાર જોશીએ આયુષ્યમાન યોજનામાં થયેલ વિનામૂલ્યે પથરીના ઓપરેશન અંગે મોદી સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ગ્રામજનોએ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના સહિત વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી નાટિકા ધરતી કહે પુકાર કે બહેનો દ્વારા રજુ થઇ હતી.

આ કાર્યક્રમમાં સરપંચ, માજી સરપંચ, આચાર્ય નારણભાઈ વણકર, જીલ્લા-તાલુકા પંચાયત સદસ્યો, અગ્રણીઓ ભાથીભાઈ, ડાહ્યાભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઈ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.