દાહોદ તાલુકા પંચાયત સામે આવેલ ગુજરાતી કુમાર અને કન્યાશાળા તથા બાંધકામ માટે બાળકોને હંગામી સરકારી ટેકનીકલ હાઈસ્કુલના ઓરડામાં વ્યવસ્થા કરાઈ

  • શાળામાં આવતાં બાળકો માટે સ્વચ્છતા સાથે જાજરુ, મુતરડીની તાતી જરૂરીયાત

દાહોદ, દાહોદ શહેરમાં આંબેડકર ચોકડી પર તાલુકા પંચાયત કચેરીની સામે વર્ષોથી ચાલતી દાહોદની મુખ્ય ગુજરાતી કુમાર અને ક્ધયાશાળાનું બાંધકામ અત્યંત જર્જરીત થઈ જતા તે જર્જરીત બાંધકામ તોડી પાડી ત્યાં નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી શાળાનું બાંધકામ પૂરૂં નહીં થાય ત્યાં સુધી આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને હંગામી ધોરણે દાહોદ સર્કિટ હાઉસની સામે આવેલ સરકારી ટેકનીકલ હાઈસ્કૂલના જુના ઓરડાઓમાં ખસેડવામાં આવ્યા છે. આ ટેકનિકલ સ્કૂલના કેમ્પસમાં લાઇબ્રેરી તેમજ 108 ઇમરજન્સી સેવાની ઓફિસ પણ હાલ કાર્યરત છે. આ જગ્યાએ પૂરતા ઓરડાના અભાવે ક્ધયા શાળાનો સમય સવારનો અને કુમારશાળાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. મનુષ્યના જીવનમાં પાયાના શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. તે સર્વ વિદિત છે. પરંતુ આ ગુજરાતી કુમાર અને ક્ધયા શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણીની જોઈએ તેવી સગવડ કરવામાં આવી નથી અને હંગામી ધોરણે એક પાઇપલાઇનમાં કેટલાક નળ બેસાડી વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. જે જગ્યાએ નળ બેસાડવામાં આવ્યા છે, તે જગ્યા પણ પારાવાર ગંદકી વાળી છે અને તે જગ્યાની આસપાસ કાદવ કીચડનું સામ્રાજ્ય રહેતા પાણી પીવા જનાર ભૂલકાઓને કાદવમાં પગ મૂકી જવું પડે છે. તે ખરેખર યોગ્ય છે ખરૂં? ભૂલકાઓ માટે શુદ્ધ પાણીની યોગ્ય સુવિધા પ્રદાન કરવામાં આવે તે જરૂરી છે. શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોને લઘુ શંકા કરવા કે કુદરતી હાજતે જવા મુતરડી તેમજ જાજરૂની વ્યવસ્થા તો જરૂર છે. પરંતુ તે અત્યંત જર્જરીત અવસ્થામાં છે અને તે સફાઈના અભાવે પારાવાર દુર્ગંધ મારતી ગંદકીથી ખદબદી રહ્યા છે. ધોરણ એક થી આઠની ચાલતી આ શાળામાં આટલા બધા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે પણ સ્વચ્છ અને સુઘડ મુતરડી અને જાજરૂની વ્યવસ્થા કરવાની તાતી જરૂર છે. વિદ્યાર્થીઓના વર્ગખંડની બહાર સફાઈના અભાવે ઠેરઠેર ગંદગી જોવા મળી રહી છે.

આ કેમ્પસમાં કેટલાક ઓરડાઓ જર્જરીત હાલતમાં હોવાથી તેની દિવાલ પર જર્જરિત હોવાના ચોકડીના નિશાન મારવામાં આવ્યા છે અને આ ઓરડાઓ અત્યંત જર્જરીત હોવાથી તેનો ઉપયોગ કરવો નહીં. તેવા મતલબના લખાણવાળી નોટિસ પણ મારવામાં આવી છે. આ ભય સૂચક લખાણ વાળી નોટિસ લગાવાઇ હોવા છતાં આવા જર્જરીત ઓરડાઓ પૈકીના એક જર્જરી ઓરડામાં છેલ્લા કેટલાય સમયથી 108 ઈમરજન્સી સેવા માટેની ઓફિસ કાર્યરત છે અને જેઓ લોકોની જિંદગી બચાવવા માટે રાત દિવસ પ્રયત્નશીલ રહ્યા છે. તેવા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીને આવા જર્જરિત ઓરડામાં માથે ભયની લટકતી તલવાર વચ્ચે પોતાની ફરજ બજાવવા માટે બેસવા મજબૂર થવું પડે છે. તે ખરેખર તંત્રની બેદરકારીને મામલે ઘણું બધું કહી જાય છે. આ મામલે દોઢેક માસ પહેલાં રજૂઆત તો કરવામાં જરૂર આવી હતી. પરંતુ તેમની રજૂઆત ક્યારે ફળશે તે હવે જોવું રહ્યું!!!!