નડિયાદ, મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ભાથીપુરા ફળિયામાં રહેતા અક્ષય પટેલિયા(ઉ.વ.20)પરિવાર સાથે રહી બાલાસિનોર કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુવકના પિતા કેન્સરની બિમારીથી પીડાય છે. તા.21 નવેમ્બરના રોજ યુવકના માતા નંદાબેન પટેલિયા(ઉ.વ.37)ફળિયામાં રહેતા સતીશના મોપેડ પર બેસી પાલૈયા ગામમાં ભેંસો માટેના પુળા જોવા માટે ગયા હતા. આ દરમિયાન સતીશ ગળતેશ્ર્વરના ફતેપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા છે તે સમયે રોડ પર અચાનક આવેલ બમ્પ ન દેખાતા મોપેડ કુદી જતાં પાછળ બેઠેલા નંદાબેન રોડ પર પટકાયા હતા. જેથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ ગંભીર રીતે ધવાયેલા નંદાબેનને બાલાસિનોરની કે.એમ.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બનાવ અંગે અક્ષય પ્રવિણભાઈ પટેલિયાએ સેવાલિયા પોલીસ મથકે મોપેડ ચાલક સતીશ હિંમતભાઈ પટેલિયા સામે ગુનો નોંધાવ્યો છે.