ગોધરા પાલિકામાં ઢોર રાખવાના લાયસન્સ રજીસ્ટ્રેશન માટે એક અરજી આવી

ગોધરા, ગોધરા નગરપાલિકા વિસ્તારમાં રાજય સરકારની ગાઈડલાઈન અનુસરીને રખડતા ઢોર નિયંત્રણ પોલીસી અમલી કરી છે. તેની જાહેરાત અને અમલીકરણ સામે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. ગોધરા પાલિકામાં પશુઓના લાયસન્સ માટે રજીસ્ટ્રેશનની ફકત એક જ અરજી આવી છે. જાહેરનામાંને 40 દિવસથી વધુ દિવસ થયા છતાં રખડતા પશુઓની સંખ્યા સામે ફકત એક જ અરજી આવતા પશુપાલકો રજીસ્ટ્રેશન કરાવવામાં ઉણા ઉતર્યા છે.

ઢોર નિયંત્રણ પોલીસી હેઠળ જાહેરનામુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. ગોધરા પાલિકા વિસ્તારના ઢોરોના લાયસન્સ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત હોય છે. જાહેરનામુ બહાર પાડ્યા બાદ ચાર માસમાં પશુપાલકે રજીસ્ટ્રેશન કરાવીને લાયસન્સ મેળવી લેવાનુ હોય છે. લાયસન્સ નહિ હોય તેવા ઢોરને શહેર બહાર મુકી દેવામાં આવશે. પશુપાલકે રૂ.200 ભરી પશુઓનુ રજીસ્ટ્રેશન કરાવવામાં નહિ આવે તો તે પછી વધારાનો ચાર્જ વસુલાશે. છતાં પાલિકામાં ફકત એક જ અરજી આવી છે. અને એ પણ અધુરી છે. આમ તો પાલિકા વિસ્તારમાં અસંખ્ય રખડતા ઢોરો ફરી રહ્યા છે. પણ હજુ સુધી પશુપાલકોએ પાલિકામાં રજીસ્ટ્રેશન માટે અરજી કરી નથી. જયારે બીજી બાજુ સુપ્રિમ કોર્ટના હુકમથી પાલિકા દ્વારા શરૂઆતમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરીને 46 પશુઓને પકડયા છે. હાલ રખડતા ઢોરોને પકડવાની કામગીરી બંધ હોવાનુ પાલિકાના સેનેટરી અધિકારી જણાવી રહ્યા છે. ત્યારે ભુરાવાવ, પાંજરાપોળ, બસ સ્ટેન્ડ વિસ્તાર, બામરોલી રોડ સહિતના વિસ્તારમાં યમદુત બનીને રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસતા નજરે પડે છે. પાલિકામાં ઢોર નિયંત્રણ માટેના રજીસ્ટ્રેશનમાં એક અરજી આવતા અસરકારક અમલીકરણ કરાવવી જરૂરી છે.