કાલોલ-વેજલપુર બસ સ્ટેન્ડમાં સર્વર ધીમુ ચાલતા પાસ કઢાવવા આવેલ વિધાર્થીઓને હાલાકી

કાલોલ,કાલોલ-વેજલપુર બસ સ્ટેશનમાં એસ.ટી. તંત્રના સર્વર છબરડાને પગલે ગોકળગતિએ પાસ નીકળતા હજારો વિધાર્થીઓ અટવાયા હતા.

કાલોલ તાલુકા વિસ્તારમાં દિવાળી વેકેશન પછી 30 નવેમ્બરથી શાળા-કોલેજોમાં નવુ સત્ર શરૂ થઈ ગયા પછી પણ એસ.ટી.વિભાગના સર્વર છબરડાને પગલે એસ.ટી.બસના વિધાર્થી પાસ નહિ નીકળતા વિવિધ શાળાઓ અને કોલેજોમાં અપડાઉન કરતા વિધાર્થીઓની હાલત કફોડી બની હોવાની ધટના સામે આવી છે.

કાલોલ-વેજલપુર બસ સ્ટેશનમાં વિધાર્થીઓને તેમની વિવિધ શાળા-મહાશાળા અને કોલેજ જવા-આવવા માટે એસ.ટી.બસનો પાસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. જે અંગે પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભેલા વિધાર્થીઓના જણાવ્યા અનુસાર 30 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થયા પછી પાછલા ચાર-પાંચ દિવસથી તાલુકા ભરમાંથી અપડાઉન કરતા વિધમર્થીઓ પોતાના એસ.ટી.બસનો પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે. પરંતુ એસ.ટી.ડેપોમાંથી પાસ નીકળતા નથી તેવો રોષ વ્યકત કર્યો હતો. જે અંગે કાલોલ અને વેજલપુર બસ સ્ટેશન સ્થિત બંને ડેપો મેનેજર સાથે વાતચીત કરતા ડેપો મેનેજરે એસ.ટી.વિભાગ દ્વારા ફળવાયેલ નેટ પ્રોવાઈડર સર્વર થોડુ ધીમુ ચાલે છે. અને ધણુ બંધ રહે છે. જેથી સર્વર માંડ માંડ ચાલી રહ્યુ હોવાથી સત્વરે પાસ નીકળતા નથી તેવી ટેકનીકલ ખામી હોવાનુ જણાવ્યુ હતુ. એસ.ટી.વિભાગના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સર્વરના છબરડાને પગલે ગોકળગતિએ પાસ નીકળતા પાછલા પાંચ દિવસોથી હજાર વિધાર્થીઓ તેમના વાલીઓ પણ પાસ માટે કતારોમાં ઉભા રહેલા છે. અને પાસ નહિ નીકળતા બીજા-ત્રીજા દિવસ સુધી ધકકાઓ ખાઈ રહ્યા છે. તદ્ઉપરાંત એસ.ટી.બસના પાસ વિના પૈસા ખર્ચીને શાળા-કોલેજોમાં જવાનો વારો આવ્યો છે. અને ખાનગી વાહનોમાં રઝળપાટ કરી રહ્યા છે. જેથી એસ.ટી.વિભાગે નેટ પ્રોવાઈડર સર્વર કંપની સાથે અસરકારક કાર્યવાહી હાથ ધરી સત્વરે સમસ્યાઓનુ નિરાકરણ લાવી વિધાર્થીઓના પાસ ઝડપી નીકળે તેવી વાલીઓએ લોકમાંગ કરી છે.