મેં ક્યારેય વિરાટ કોહલીને T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનું કહ્યું નથી,સૌરવ ગાંગુલી

નવીદિલ્હી, બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ટી૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, મેં ક્યારેય વિરાટ કોહલીને ટી ૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવાનું કહ્યું નથી. વિરાટે કહ્યું હતું કે હું ટી ૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવા માંગુ છું પરંતુ હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનું ચાલુ રાખવા માંગુ છું, તેથી મેં વિરાટને કહ્યું કે જો તમે T20 ની કેપ્ટનશીપ છોડવા માંગો છો, તો તમારે સફેદ બોલની કેપ્ટનશીપ પણ છોડી દેવી જોઈએ. એટલે કે, અમે તેને કહ્યું કે જો તે ટી ૨૦ની કેપ્ટનશીપ છોડી રહ્યો છે તો તેમણે વનડેની કેપ્ટન્સી પણ છોડી દેવી જોઈએ. કારણ કે સફેદ બોલના ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન ન હોઈ શકે.

તમને જણાવી દઈએ કે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં ભારતની હાર બાદ વિરાટ કોહલીએ ભારતીય ટી ૨૦ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. જે બાદ તેને વનડે ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. અને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. હવે આ એપિસોડમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે અને આ ખુલાસો પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે.

વાસ્તવમાં, જ્યારે વિરાટ કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેને ટી ૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવા માટે કોઈએ મનાઈ કરી નથી. ઉલટાનું, તેમનો નિર્ણય ખૂબ જ આરામથી સાંભળવામાં આવ્યો અને સ્વીકારવામાં આવ્યો. વિરાટ કોહલી અને બીસીસીઆઇના નિવેદનો અલગ-અલગ હતા. BCCI એ કહ્યું કે વિરાટ સાથે વાત કર્યા બાદ જ તેને વનડે કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેને આ બાબતની જાણ નથી. જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી રહી હતી, ત્યારે તેને બોલાવવામાં આવ્યો હતો અને મીટિંગ પછી તેને કહેવામાં આવ્યું હતું કે મને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને હું પસંદગીકારોના નિર્ણય સાથે સંમત છું. જે બાદ ઘણી ચર્ચા થઈ હતી.