રાજકોટ શહેરના ૧૦૦થી વધુ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ

રાજકોટ, રાજકોટમાં પણ હવે મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે. શહેરના ૧૦૦થી વધુ મંદિરોમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ લાગુ કરાયો છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધના પોસ્ટર રાજકોટમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.

જેમાં મંદિર પરિસરમાં ભક્તોના કેપ્રિ, બરમુડા, ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડાં પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સનાતન સ્વરાજ નામની સંસ્થા દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.ત્યારે મંદિર ટ્રસ્ટીઓનું કહેવું છે કે મંદિરની ગરિમા અને સંસ્કૃતિ જળવાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.તો આ અગાઉ દ્વારકા મંદિરમાં શ્રદ્ધાળુઓને ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.દ્વારકાના જગત મંદિરમાં વ્યવસ્થાપન સમિતિએ ધર્મ અને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે ભક્તોને અપીલ કરી છે.દ્વારકાના જગત મંદિરમાં ઠેર-ઠેર ભક્તો સંસ્કૃતિને અનુરૂપ કપડા પહેરે તેવા બોર્ડ લગાવીને સૂચના આપવામાં આવી છે.