
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને બોર્ડે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ફેરફાર કર્યા છે. વર્લ્ડ કપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ નેતૃત્વથી લઈને કોચિંગ અને સિલેક્શન કમિટીમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જો કે, પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે, જ્યાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જણાય છે.
પાકિસ્તાન ક્રિકેટ દરરોજ કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ઘણીવાર આના કારણો કેટલાક વિવાદાસ્પદ નિર્ણય અથવા ચોંકાવનારા નિવેદનો હોય છે. ઘણી વખત પાકિસ્તાનમાં ક્રિકેટની ખરાબ સ્થિતિનું વર્ણન કરતી તસવીરો અને વીડિયો તેનું કારણ બની જાય છે. હવે ફરી એકવાર આવું જ દ્રશ્ય સામે આવ્યું છે, જે બતાવે છે કે પાકિસ્તાનમાં ઘરેલુ ક્રિકેટમાં પાયાની સુવિધાઓનો કેટલો અભાવ છે, ભલે પછી શાદાબ ખાન જેવો સ્ટાર ખેલાડી તેમાં રમી રહ્યો હોય.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે પાકિસ્તાનની સ્થાનિક ક્રિકેટ સિઝન પણ ચાલી રહી છે. હાલમાં, T20 ટૂર્નામેન્ટ ‘નેશનલ T20 કપ’ ત્યાં ચાલી રહી છે. વર્લ્ડ કપ 2023માં ખરાબ રીતે ફ્લોપ રહેનાર પાકિસ્તાનનો વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાન પણ આ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ રાવલપિંડી તરફથી રમી રહ્યો છે.
રવિવાર 3જી ડિસેમ્બરે પણ, શાદાબ ખાન રાવલપિંડી માટે રમી રહ્યો હતો, જ્યાં તેની ટીમ FATA નો સામનો કરી રહી હતી. આ મેચ દરમિયાન શાદાબે તેની 4 ઓવર પૂરી કરી હતી પરંતુ તે પછી તે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. શાદાબની પગની ઘૂંટી વળી ગઈ હતી, જેના કારણે તેના માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. અહીંથી પાકિસ્તાન ક્રિકેટની ખરાબ હાલત અને ગેરવહીવટ સામે આવી હતી. આવી સ્થિતિમાં શાદાબને મેદાનની બહાર લઈ જવા માટે સ્ટ્રેચર પણ નહોતું.
આવી સ્થિતિમાં એક જુનિયર ખેલાડીએ મેદાનમાં આવીને શાદાબને ખભા પર ઉઠાવીને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. પાકિસ્તાની ચાહકો અને પત્રકારોએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.
વર્લ્ડ કપ દરમિયાન અને ત્યારબાદ પણ પાકિસ્તાની ટીમ અને ક્રિકેટ બોર્ડ સતત સમાચારોમાં છે. ક્રિકેટ ટીમની કેપ્ટનશીપની સાથે સાથે પસંદગી સમિતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને અહીં પણ વિવાદો અટક્યા નથી. માત્ર બે દિવસ પહેલા, નવા મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝે સ્પોટ ફિક્સિંગના આરોપી ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટને પસંદગી સમિતિમાં સામેલ કર્યો હતો જે બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચતા 24 કલાકમાં જ તેણે હટાવવામાં આવ્યો હતો.