
મહીસાગર,મહીસાગર જીલ્લાના બાલાશિનોર તાલુકાના પરબીયા અને વસાદરા ગામે ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષત: કુમકુમથી વધાવ્યો હતો.

ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યુ હતું. આ તકે, ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં.

ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે. આમ કહી તેમણે ગ્રામજનોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે, આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં વ્યક્તિઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ટીબીના દર્દીઓની તપાસ કરી અને યોગ્ય સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પરબીયા અને વસાદરા ગામે નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં.

કાર્યક્રમના અંતે મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. આ પ્રસંગે સરપંચ, આગેવાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.