શહેરા પુરવઠા ગોડાઉન મેનેજરની પાસા હેઠળ ધરપકડ કરતાં ટેકાના ભાવે ડાંંગર ખરીદીની કામગીરી બંધ રહી

શહેરા, શહેરા પુરવઠા ગોડાઉન મેનેજરની પીબીએમ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરતા ગોડાઉન ખાતે ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ શકી ન હતી. પુરવઠા ગોડાઉનની કામગીરી સંપૂર્ણ બંધ થઈ જવા સાથે ટેકાના ભાવે ડાંગર વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલ પુરવઠાના ગોડાઉન માંથી તાલુકામાં આવેલ 95 સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવતું હોય છે. થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અહીં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા ગેરરીતી મળી આવતા કાર્યવાહી હાથધરી હતી. જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા ગોડાઉન મેનેજર લક્ષ્મણભાઈ પરમાર સામે પીબિએમ હેઠળ થયેલ દરખાસ્તની મંજૂરી આપતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગોડાઉન મેનેજરની ધરપકડ કરી હતી. ગોડાઉન મેનેજર સામે પાસાની કાર્યવાહીના પગલે પુરવઠા ગોડાઉન ની સમગ્ર કામગીરી સોમવારના રોજ બંધ રહેવા સાથે ટેકાના ભાવે ડાંગરની ખરીદી પણ કરવામાં આવી ન હતી. જેના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ટેકાના ભાવે ડાંગર વેચવા માટે આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પુરવઠા ગોડાઉનના દરવાજા પર ખંભાતી તાળું લાગેલ અને ટ્રેક્ટરમાં ડાંગર ભરેલ જોવા મળવા સાથે ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. પુરવઠા ગોડાઉન મેનેજરની ધરપકડ બાદ દિવસ દરમિયાન ગોડાઉન બંધ જોવા મળેલ હોય ત્યારે મંગળવારના રોજ પુરવઠાના ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી થશે કે નહીં એ પણ એક પ્રશ્ન ખેડૂતોમાં ચર્ચાઇ રહયો હતો.