કાલોલ,\કાલોલ તાલુકામાં ધણા પરપ્રાંતિય એવા ભાડા પટ્ટે રાખેલ ઈંટોના ભઠ્ઠાના માલિકોએ તેમના ભઠ્ઠાની જમીન નવી શરતમાં ફેરવ્યા વિના મોટાભાગના ભઠ્ઠાઓ પર એમજીવીસીએલ વિભાગ દ્વારા વીજ પુરવઠો ફાળવી દેવામાં આવતા એમજીવીસીએલ વિભાગની અને ભઠ્ઠા માલિકોની કિન્નાખોરી પર સવાલો ઉઠ્યા છે.
કાલોલ તાલુકા વિસ્તારમાં દિવાળી સીઝન પુરી થતાં અનેક ઈંટોના ભઠ્ઠાઓ ધમધમતા જોવા મળી રહ્યા છે. જેમાં મોટાભાગના ભઠ્ઠા માલિકો પરપ્રાંતિય હોવાના કારણે ઈંટોના ભઠ્ઠાઓ માટે ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને લોભામણા ભાડા આપીને ભાડાપટ્ટે જમીન રાખ્યા પછી જમીનને જુની શરતમાંથી નવી શરતમાં ફેરવવાની તજવીજ હાથ ધર્યા વિના જુની શરતની ખેતીલાયક જમીન પર મોટાભાગના ભઠ્ઠાઓ ધમધમતા જોવા મળી રહ્યા છે. કાલોલ તાલુકા વિસ્તારમાં તંત્રની લાપરવાહી કે મિલીભગત નિતીને કારણે મોટાભાગના ભઠ્ઠાઓને નવી શરતમાં ફેરવ્યા વિના કે કોઈપણ પ્રકારની આકારણી વિના એમજીવીસીએલ વિભાગ દ્વારા ભઠ્ઠાઓને વીજ મીટરો સહિતનો વીજ પુરવઠો ફાળવીને ઝળહળતા કરી દીધા છે. જેના પગલે કાલોલ તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના સીમાંત ખેડુતોને ભરમાવીને તેમની ખેતીલાયક જમીનને નવી શરતમાં તબદીલ કર્યા વિના સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. તદ્ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોને તેમની કુવા-બોર માટે જરૂરી મોટરના વીજ મીટરો અને વીજ પુરવઠો ફાળવવા માટે કાયદેસરની આકારણી અને મોટી રકમનુ એસ્ટિમેન્ટ આપીને ગલ્લા તલ્લા કરતુ એમજીવીસીએલ તંત્ર ભાડુઆતી ભઠ્ઠાઓના માલિકોને કેવી રીતે ડાયરેકટ વીજ મીટરો ફાળવવામાં આવ્યા છે તેની સામે સવાલો ઉભા થયા છે.