સાબરકાંઠામાં વહેલી પરોઢે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં કમોસમી માવઠુ

સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહના ટૂંકા સમયમાં ફરીથી કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારો સહિત અનેક સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો છે. મધ્યરાત્રી બાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો હતો. એક તરફ લગ્નસરાની સિઝન જામી છે, ત્યાં કમોસમી વરસાદે અનેક લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ સર્જ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શનિવારની સાંજ સુધી માહોલ ઠીક લાગી રહ્યો હતો. પરંતુ મધરાત બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હોય એમ વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી પરોઢે ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં વરસવાને લઈ રીતસરનુ ચોમાસુ જામ્યુ હોય એવો માહોલ સર્જાઈ ગયો હતો. રસ્તાઓ પર કમોસમી વરસાદના પાણીની નદીઓ વહેવા લાગી હતી.

વહેલી પરોઢના દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેર, પુનાસણ, ગાંભોઈ, બેરણાં, કાંકણોલ, વીરાવાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ સર્જાયો હતો. સાથે જ ખેડૂતોને હાલમાં રવિ સિઝનની વાવણી કરવામાં આવી છે, ત્યાં બટાકા અને કપાસના ખેડૂતોને માટે પણ ચિંતા સર્જાઈ છે.