એસ.ટી. વિભાગ દ્વારા સૌરાષ્ટ તરફથી વતન પરત ફરતા શ્રમિકો માટે 90 વધારાની બસો દોડાવાઈ

ગોધરા, દિવાળી પર્વને લઈને હાલમાં એસટી બસ અને ટ્રેનમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે એસટી વિભાગ દ્વારા ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી માદરે વતન પરત ફરતા શ્રમિક વર્ગ માટે ખાસ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. ગોધરા વિભાગમાં સમાવિષ્ટ ત્રણ જિલ્લાના વિવિધ ડેપો ખાતેથી દિવાળીને લઈને વધારાની 90 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર દેશમાં ઉજવણી માટે લોકોએ તૈયારીઓ કરી દીધી છે, ત્યારે તહેવારોની ઉજવણી કરવા માટે મોટાભાગે પોતાના વતનથી બહાર રહેતો પંચમહાલ અને દાહોદ જિલ્લાનો શ્રમિક વર્ગ માદરે વતન પરત ફરે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા વિવિધ મહાનગરોમાં રોજગાર અર્થે ગયેલો શ્રમિક વર્ગ હાલ દિવાળી પર ઘરે પરત ફરી રહ્યો છે. જેને લઇને એસટી બસ તથા ટ્રેનમાં હાલ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોઈપણ ભોગે દિવાળીની ઉજવણી કરવા માટે પોતાના વતનમાં પહોંચવા માંગતા મુસાફર વર્ગને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગોધરા એસટી વિભાગમાં સમાવિષ્ટ ત્રણ જિલ્લાના સાત ડેપો પર હાલમાં વધારાની 10-10 બસ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તદુપરાંત દક્ષિણ ગુજરાતથી પરત ફરતા મુસાફરો માટે સુરતથી વધારાની 40 બસ દોડાવવામાં આવી રહી છે. સાથે સાથે ગોધરા, દાહોદ અને લુણાવાડા જેવા બસ મથકોથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડવા માટે પણ વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અાંમ, વધારાની બસના સંચાલનને લઈને એસટી વિભાગને પણ આર્થિક ફાયદો થશે. એસટી વિભાગની આવકમાં 10થી 15 ટકા જેટલો વધારો નોંધાશે.