અમદાવાદ,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મામલે હાઈકોર્ટમાં જયસુખ પટેલે હંગામી જામીન પર છોડવા માટે માંગણી કરી હતી. જે મામલે મૃતકોનાં પરિવારજનો તરફથી અરજીનો વિરોધ કરાયો હતો.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડલા માંગણી કરી હતી. ત્યારે આ બાબતે મૃતકોનાં પરિવારજનો તરફથી જયસુખ પટેલ દ્વારા કરાયેલ અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે.
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬ જેટલા આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીનાં મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા છે. તેમજ રાજકોટ અને મોરબીમાં ન પ્રવેશવાની શરતે દિનેશ દવેને જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધી ૬ આરોપીઓ જેમાં ૩ સુરક્ષા કર્મી, ૨ ક્લાર્ક, ૧ મેનેજરનો સમાવેશ થાય છે.
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા ૨ કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં ૧ વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા ૧૨થી ૧૫ વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે ૫ દિવસની અંદર તૂટ્યો અને ૧૩૫ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.