આર્થિક  સ્થિતિને કારણે પાકિસ્તાને નવા પાસપોર્ટ છાપવાનું કર્યું બંધ

રિપોર્ટ અનુસાર, ગૃહ મંત્રાલયના મીડિયા ડાયરેક્ટર જનરલ કાદિર યાર તિવાનાનું કહેવું છે કે વર્તમાન પાકિસ્તાન સરકાર પાસપોર્ટના હાલના સંકટને દૂર કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું, ‘સ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે અને પાસપોર્ટ ઈસ્યું કરવાની પ્રક્રિયા પહેલાની જેમ જ સાવ સામાન્ય થઈ જશે.’

પહેલેથી જ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં રોજ રોજ નવી સમસ્યાઓ સર્જાતી જોવા મળી રહી છે. હવે પાકિસ્તાનથી એવા અહેવાલ સામે આવ્યાં છે કે, લેમિનેશન પેપરની ભારે અછતને પગલે, પાકિસ્તાન દેશ નવા પાસપોર્ટ સંકટનો સામનો કરી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના નાગરિકોને પાસપોર્ટ માટે સંઘર્ષ કરવો પડ્યો હોય.

રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં લેમિનેશન પેપરની ભારે અછત સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટમાં લેમિનેશન પેપર ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે અને સામાન્ય રીતે તેને મોટાભાગે ફ્રાન્સમાંથી આયાત કરવામાં આવતા હોય છે. હવે પાસપોર્ટ માટેના આ સ્પેશિયલ પેપરની અછતને કારણે પાકિસ્તાન દેશમાં પાસપોર્ટનું મોટું સંકટ ઊભું થયું છે. તેની સૌથી વધુ અસર તે લોકો પર પડી છે જેઓ વિદેશમાં ભણવા જતા હોય છે. આજકાલ પાકિસ્તાનમાં નવા પાસપોર્ટ બની શકતા નથી.

અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની બહાર વિદેશ જવા માંગતા લોકોને પાસપોર્ટ નથી મળી રહ્યો. હવે પાસપોર્ટના અભાવે આવા લોકોના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યાં છે. ઉચ્ચશિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે અને પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની કિંમત તેમને પોતાને કારકિર્દીના ભોગે ચૂકવવી પડી રહી છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુને ગુલને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે, ગુલનું કહેવું છે, ‘હું ટૂંક સમયમાં કામ માટે દુબઈ જવા માટે તૈયાર હતો. મારો પરિવાર અને હું બન્ને આ બાબતને લઈને ખુશ હતા કે, હવે નસીબ બદલાશે, પરંતુ DGI&Pના અવ્યવસ્થિત મેનેજમેન્ટે પાકિસ્તાન અને મારી ગરીબીમાંથી બચવાની તક છીનવી લીધી છે.

રિપોર્ટમાં પેશાવરની વિદ્યાર્થિની હીરાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘મારા ઇટાલી માટેના સ્ટુડન્ટ વિઝા તાજેતરમાં મંજૂર થયા હતા અને મારે ત્યાં ઓક્ટોબરમાં પહોંચવાનું હતું. જો કે, પાસપોર્ટ ન હોવાના કારણે મે ઉચ્ચ શિક્ષણની તક ગુમાવી દીધી.

રિપોર્ટ અનુસાર, ગૃહ મંત્રાલયના મીડિયા ડાયરેક્ટર જનરલ કાદિર યાર તિવાનાનું કહેવું છે કે વર્તમાન પાકિસ્તાન સરકાર પાસપોર્ટના હાલના સંકટને દૂર કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું, ‘સ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે અને પાસપોર્ટ ઈસ્યું કરવાની પ્રક્રિયા પહેલાની જેમ જ સાવ સામાન્ય થઈ જશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં DGI&P પાસે પ્રિન્ટરોના લેણાં બાકી રહેવાના કારણે અને લેમિનેશન પેપરની ભારે અછતને પગલે નવા પાસપોર્ટ પ્રિન્ટિંગના કામને પણ મહંદઅંશે અસર થવા પામી છે.