જીલ્લા કલેક્ટર અને માતર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • ખેડામાં કુલ 04 ભોજન વિતરણ કેન્દ્રોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.
  • જીલ્લાના શ્રમિકબંધુઓને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતા જીલ્લા કલેક્ટર કે.એલ.બચાણી.

ખેડા, સમગ્ર રાજ્યભરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ 155 નવા ભોજન કેન્દ્રોનો પ્રારંભ થયો છે. ત્યારે ખેડા જીલ્લામાં કલેક્ટર કે.એલ.બચાણી અને માતર ધારાસભ્ય કલ્પેશ પરમારની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે યોજાયો. જેમાં શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શ્રમિકોને ટિફિન અને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ખેડા જીલ્લામાં કુલ 04 ભોજન વિતરણ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં નડિયાદમાં સંતરામ મંદિર ખાતે મહુધા ધારાસભ્ય સંજયસિંહમહીડા, વૈશાલી સિનેમા પાસે માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને પારસ સર્કલ ખાતે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ તથા ખેડા બસ સ્ટેન્ડ ખાતે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ઉપસ્થિત સૌ શ્રમિકોને દિવાળીની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન કેન્દ્રો થકી શ્રમિક અને તેના પરિવારને પૌષ્ટિક ભોજન સમયસર મળે એ દિશામાં કાર્ય થશે. શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળતા તેમને સારૂં આરોગ્ય મળશે. માટે તમામ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો મહત્તમ લાભ લેવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

ખેડા જીલ્લામાં શ્રમિક અન્નપુર્ણા યોજના અતંર્ગત આગામી સમયમાં શ્રમિકોની જરૂરીયાત મુજબ 50 શ્રમિકોના ક્લસ્ટર માટે નવા ભોજન કેન્દ્રો ઉભા કરવાની તેમણે ખાતરી આપી હતી. સાથે સાથે ઉપસ્થિત સૌ અધિકારીઓ તથા શ્રમિકોને પણ આ યોજના બાબતે કોઈ નવી કામગીરી માટે સુઝાવો આપવા અપીલ કરી હતી.

નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહે આ પ્રસંગે શ્રમિક અન્નપુર્ણા યોજના ખેડા જીલ્લાના શ્રમિકો માટે લાભદાયી સાબિત થવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ 2017 થી શ્રમિક અન્નપુર્ણા યોજના શરૂ કરવામાં આવેલ. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં અંદાજીત કુલ 625 ગ્રામ અને 1525 કેલેરી ભોજન આપવામાં આવે છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ અપાય છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને એક વ્યક્તિ દિઠ રૂા.5/- માં ટોકન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે. વધુમાં જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે.

આ કાર્યક્રમમાં માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, મદદનીશ નિયામક એસ.એ.ઝીંઝાલા, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, નડિયાદ, પ્રાંત અધિકારી કે.એસ.સુમેરા, લેબર ઓફીસર યતિનભાઈ, અગ્રણી તેજશ પટેલ સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં જીલ્લાના શ્રમિકો હાજર રહ્યા હતા.