દાહોદમાં અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રના મોત નિપજયાં

દાહોદ, દાહોદમાં અકસ્માતની દારૂણ ઘટનામાં પિક-અપ વાનની એક જ ટક્કરે આખું કુટુંબ ખતમ થઈ ગયું છે. દિવાળી પૂર્વે અકસ્માતની સર્જાયેલી આ હતપ્રભ કરી નાખનારી ઘટનામાં બાઇક સવાર દંપતી અને સંતાનોને પિક-અપ વાને મારેલી ટક્કર જીવલેણ નીકળી છે. દંપતી અને પુત્રનું મોત થયું છે અને પુત્રીને ઇજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

દાહોદના ગરબાડા તાતુલાકના જેસાવાડા નજીક પવાભાઈ પરમાર પોતાના કુટુંબ સાથે બુધવારે રાત્રે બાઇક પર જઈ રહ્યા હતા. બાઇક પર તેઓ, તેમની પત્ની, તેમનું એક બાળક અને પુત્રી હતા. તેઓએ આ દરમિયાન જેસાવાડા નજીક કાળિયા ડુંગરી વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા તેથી પૂરપાટ આવતા પિકઅપ વાહને બાઇકને ટક્કર મારી હતી. તેના લીધે બાઇક સવાર કુટુંબ હવામાં ફંગોળાઈ ગયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્ની અને દસ વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયુ હતુ. જ્યારે પુત્રીને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આમ રાત્રે બેફામ દોડતી પિકઅપવાને આખા કુટુંબનો માળો વિખેરી નાખ્યો હતો. અકસ્માતની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગી છે. હાલમાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. કુટુંબના ત્રણ સભ્યોના મોતથી કુટુંબ આઘાતમાં છે.