હનીટ્રેપમાં ફસાયેલા રિટાયર્ડ ફોજીએ આત્મહત્યા કરી, બ્લેકમેલ કરનારાઓમાં પોલીસ પણ સામેલ

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં હની ટ્રેપમાં ફસાયેલા એક રિટાયર્ડ ફોજી દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, બુધવારે કોડાગુ જિલ્લામાં એક તળાવમાંથી ગુમ થયેલા એક રિટાયર્ડ ફોજીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મદિકેરી શહેર નજીક ઉક્કુડાના રહેવાસી સંદેશ તરીકે થઈ છે. સંદેશે તેની સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે જીવિતા નામની મહિલા અને સતીશ નામના પોલીસ અધિકારીએ તેને હેરાન કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તે બંને તેને બ્લેકમેલ કરીને તેની પાસેથી મોટી રકમ પડાવવા માગતા હતા.

અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને પોલીસ કર્મચારીઓએ બુધવારે રાત્રે મદિકેરી શહેર નજીક પમ્પિનાકેરે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સંદેશ પરિણીત હતો અને ઘટના પહેલા તેમણે તેની પત્નીને તેની સાથે થયેલા બ્લેકમેલિંગ વિશે જણાવ્યું હતું. આરોપી મહિલાએ પોતાની અને સંદેશ વચ્ચેની કેટલીક અંગત પળોને ફોટા અને વીડિયોમાં રેકોર્ડ કરી હતી અને તેના આધારે તે તેને બ્લેકમેલ કરતી હતી. બાદમાં મહિલાએ તેના એક સહયોગીની મદદથી સંદેશને બ્લેકમેલ કરીને તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી.

રિપોર્ટ અનુસાર, સંદેશને સેના પાસેથી ૫૦ લાખ રૂપિયા મળવાના હતા, અને આરોપીઓ તે જ રકમ પર નજર રાખતા હતા. જો કે, હેરાનગતિ સહન ન થતાં તેમણે પત્નીને બધી વાત કહી. આ પછી તેણે આરોપી અને તેના મિત્રના ત્રાસ અંગે પત્ર લખીને તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટ મંગળવારે મળી આવી હતી અને બુધવારે તેનો સામાન તળાવ નજીકથી મળી આવ્યો હતો. મૃતદેહને શોધવા માટે દક્ષિણ કન્નડથી વિશેષ ટીમ બોલાવવામાં આવી હતી. મૃતક સૈનિકનો મૃતદેહ તળાવમાંથી જ મળી આવ્યો હતો. આ મામલે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.