તેલઅવીવ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલને આજે મોટી સફળતા હાથ લાગી છે. ઈઝરાયેલની સેનાએ હમાસના ‘રોકેટ મેન’ તરીકે ઓળખાતા ખતરનાક આતંકવાદી મોહસિન અબુ ઝીનાને ઠાર માર્યો છે.
ઈઝરાયેલનો દાવો છે કે યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. ઇઝરાયેલી સેનાએ હવે ગાઝા પટ્ટીના લગભગ અડધા વિસ્તાર પર કબજો કરી લીધો છે. ગ્રાઉન્ડ અભિયાનમાં હમાસના કેટલાક ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે.
હમાસના ૨૦ થી વધુ ટોચના કમાન્ડર અને ૧૦૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ શ્રેણીમાં આજે ઈઝરાયેલની સેનાએ હમાસના ‘રોકેટ મેન’ તરીકે ઓળખાતા ખતરનાક આતંકવાદી મોહસિન અબુ ઝીનાનો ખાત્મો કર્યો છે. અબુ ઝીના હમાસની રોકેટ ફેક્ટરીના વડા હતા, જ્યાં ઘણા અત્યાધુનિક વ્યૂહાત્મક શસ્ત્રો અને રોકેટ વિક્સાવવામાં આવ્યા હતા.
ઈઝરાયેલમાં ૭ ઓક્ટોબરે થયેલા હમાસના આતંકવાદી હુમલામાં અબુ જિન્નાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના દ્વારા બનાવેલા રોકેટથી હમાસે ઈઝરાયેલને સૌથી વધુ નુક્સાન પહોંચાડ્યું હતું.
આ પહેલા મંગળવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે હમાસની દેર અલ-બલાહ બટાલિયનના કમાન્ડર વેએલ અસેફાને મારી નાખ્યો હતો. તેણે સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડના કમાન્ડરો સાથે મળીને ઈઝરાયેલમાં હત્યાકાંડ દરમિયાન હમાસના આતંકવાદીઓને મોકલવામાં મદદ કરી હતી. તે પછી પણ તે ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતો. ૧૯૯૨-૧૯૯૮ ની વચ્ચે ઇઝરાયેલ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ તેને જેલની સજા કરવામાં આવી હતી. આ સાથે,આઇડીએફએ ગાઝાની સુરંગોમાં ઘણા મહત્વપૂર્ણ કમાન્ડરોને ઘેરી લીધા છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો છે કે આઇડીએફએ ઉત્તરી ગાઝા પર નિયંત્રણ મેળવી લીધું છે. જો કે બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે હમાસના આતંકવાદીઓએ હજુ સુધી ઉત્તર-પૂર્વ સરહદ નજીકનો વિસ્તાર છોડ્યો નથી. જો ગાઝા પટ્ટીને મધ્યમાં બે ભાગમાં વહેંચવામાં આવે તો ઉત્તરીય વિસ્તારમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ત્રણ દરવાજા છે. એક દરવાજો ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છે અને બે પૂર્વ સરહદ પર છે. ઈઝરાયેલે ત્રણેય દરવાજા બંધ કરી દીધા હતા. જોકે, માસના આતંકવાદીઓ ઉત્તર ગાઝામાં બે સ્થળોએ ઈઝરાયેલી સૈનિકો માટે એક પછી એક નવા પડકાર ઉભા કરી રહ્યા છે.
હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલા, આઇઇડી બ્લાસ્ટ અને ટેન્ક વિરોધી ફાયરિંગથી ઇઝરાયેલની સેનાને ઘણું નુક્સાન થઇ રહ્યું છે, પરંતુ ઇઝરાયેલની સેના કોઇપણ કિંમતે ગાઝા પર કબજો કરવાથી પીછેહટ કરી રહ્યાં હોય એવું હાલ નજર આવી રહ્યું નથી. જો કે એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ ઈઝરાયલને ત્રણ દિવસ સુધી હુમલા રોકવાની અપીલ કરી હતી, પરંતુ તેની અવગણના કરીને ઈઝરાયેલની સેના ગાઝામાં હુમલા ચાલુ રાખ્યો છે.