લોકસભાની ચૂંટણી પહેલાં સીઆર પાટીલ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યાં છે. તાજેતરમાં સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ પાટીલના આમંત્રણ અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે સ્પષ્ટતા કરી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના અમરીશ ડેરને ભાજપમાં લઇ જવાના નિવેદન અંગે સ્પષ્ટતા આપતા અમરીશ ડેરે ઝી 24 કલાકને જણાવ્યુ કે, ભાજપ અધ્યક્ષે જે વાત કરી એ લાગણીથી હળવી શૈલીમાં કરાઈ હતી. પાટીલજીએ હળવી શૈલીમાં પત્નીથી ડરવાની વાત પણ કરી હતી. હું લોકોને અપીલ કરુ છુ કે પાટીલજીની વાતને હળવી શૈલીમાં લે. જે લોકો ભુતકાળનાં કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયા તે પૈકી એક પણ નેતાનુ નામ જાહેર મંચ પરથી લેવાયુ નથી.
અમરીશ ડેરે આગળ કહ્યું કે, ઘરવાપસીની કોઇ વાત નથી. હું કાંગ્રેસમાં જ છું. મને જે જવાબદારી સોંપી છે તે માટે હુ કાલે રાજસ્થાન પ્રચાર માટે જઈશ. જાહેર મંચ પરથી પાટીલજીએ કરેલ વાત અંગે કોંગ્રેસ નેતાઓનો અભિપ્રાય લઇ રહ્યો છું. સમય આવે જાહેર મંચ પરથી સ્પષ્ટતા પણ કરીશ. તેમણે મારો આદર સત્કાર કર્યો એ બદલ આભાર છે. જેટલી લાગણી મારા પ્રત્યે દાખવી એટલી લાગણી મારા રાજુલા માટે દાખવે. છેલ્લા ઘણા વર્ષોના પડતર પ્રશ્નોનો નિકાલ લાવે. ઘણા કામ મે મંજુર કરાવેલા છે જે સત્વરે શરુ કરે. અત્યારે ભાજપના પ્રતિનિધિ છે ભલે અમને જશ મળે પણ રાજુલાના કામ થાય.
સોમનાથમાં કાર્યક્રમ દરમિયાન અમરીશ ડેરનું નામ આવતાં જ સીઆર પાટીલે ડેરનું નામ લીધા વિના કહ્યુ હતું કે, જેના માટે બસમાં રૂમાલ રાખીને જગ્યા રાખી હતી, બસ ચૂકી ગયા એવા મારા ભાઈ અમરીશ ડેર કહીને સંબોધન કર્યું હતું. આ સાથે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, મારો મિત્ર છે એને હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું. આમ જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ પહેલીવાર નથી આ પહેલાં પણ પાટીલ જાહેરમાં આ પ્રકારનું આમંત્રણ આપી ચૂક્યા છે.
અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનું એક જાણીતું નામ છે. ગુજરાતના કોંગ્રેસ પક્ષના તેઓ સક્રિય નેતા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં તેમનો બહુમતી સાથે રાજુલા બેઠક પર વિજય થયો હતો. અમરીશ ડેરનું આખું નામ ડેર અમરીશભાઈ જીવાભાઈ છે. તેમણે જુનાગઢની ડો. સુભાષ વ્યાયામ શાળાથી ડી. પી. એડ. નો અભ્યાસ કર્યો છે. આ પહેલાં પણ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી વિવાદ થયો હતો. પાટીલે કહ્યું હતું અમરીશ ડેર તો ભાજપના કાર્યકર્તા હતા અને પક્ષ માટે કામ કરી ચૂક્યા છે. પાટીલે કહ્યું હતું કે મારે તો ડેરને એક વખત ખખડાવવાના છે, મારો અધિકાર છે. અમરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. જેમ બસમાં આપણે આપણા મિત્રો માટે જગ્યા ખાલી રાખીએ તેમ તેમની માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે.
મહત્વનું છે કે અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાની વાતોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે સી. આર પાટીલના આ નિવેદને બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું. આ સિવાય ભાજપના મંત્રી મુકેશ પટેલ સાથે અમરીશ ડેરની મુલાકાત અને તેમની તસવીરને પગલે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. આમ એ સમયે તો ડેર કોંગ્રેસમાં રહ્યાં હતા પણ ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાશે એવી ઘણી ચર્ચાઓ થઈ હતી. રાજુલા બેઠક પર ભાજપના હીરાભાઈ સોલંકીને 49490 તો કોંગ્રેસના અમરીશ ડેરને 47, 927 મત મળ્યા હતા. આ સાથે આપના ઉમેદવારને 4193 તો અપક્ષ ઉમેદવાર કરણ બારૈયાને 4,344 મત મળ્યા હતા. આમ 2017ના વિજેતા અમરીશ ડેરનો થોડા જ મતથી પરાજય થયો હતો.