દિવાળીને હવે થોડા દિવસની જ વાર છે. ત્યારે સુરતમાં દિવાળીને લઈને ખરીદીનો માહોલ જામ્યો છે. સુરતની બજારોમાં જાણે એકાએક માનવ મહેરામણ ઉમટી પડ્યું છે… દરેક બજારમાં ખચોખચ ભીડ જોવા મળી રહી છે. તો વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી રહી છે. સુરતની સૌથી પ્રખ્યાત ચૌટા બજાર ખાતે હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. દિવાળીના પર્વને લઈને લોકો ધોમ ખરીદી કરી રહ્યા હતા. કોઈ કપડાની, તો કોઈ ઘર સજાવવા માટેની સામગ્રીની ખરીદી કરી રહ્યું હતું. આ દિવાળી કાંઈક ખાસ હોય તેમ લોકોના ચહેરા પર પણ હરખ જોવા મળ્યો. બીજી તરફ વેપારીઓ માટે પણ સારી કમાણીના દિવસો આવ્યા છે. સામાન્ય દિવસોમાં જે કમાણી થતી હતી તેનાથી 10 ગણી કમાણી થઈ રહી છે.
સુરતમાં દિવાળી પહેલા ખરીદીનો માહોલ જામ્યો છે. ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. દિવાળી પર્વને લઈ ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રેડીમેડ ગારમેન્ટ, કિડ્સવેર, ઈમિટેશન જ્વેલરી માટે ચૌટા બજાર જાણીતું છે. હાલ ખરીદી સાથે-સાથે કમાણીનો માહોલ જે રીતે જામ્યો છે. તેને જોતા એટલું ચોક્કસથી કહી શકાય કે, આ દિવાળી કાંઈક ધમાકે દાર અને હટકે હશે.
સુરતમાં દિવાળીનાં તહેવારને લઈને પોલીસે એક્શન મોડમાં છે. તહેવારમાં નાકાબંધી, ચેકપોસ્ટ, આંગડિયા, જ્વેલર્સને ત્યાં પેટ્રેલિંગ રહેશે. તેમજ સોસાયટીઓમાં પણ પોલીસનું પેટ્રોલિંગ રહેશે. આજે ગંભીર ગુનાના આરોપીઓને ભેગા કરીને ઓળખ પરેડ કરાઈ છે. લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પોલીસે પકડ્યા છે. આજે 625 ગુનેગારોને એકઠા કરાયા હતા. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતો મેળવી છે.
અમદાવાદમાં પણ દિવાળીનો માહોલ જામ્યો છે. સીજી રોડ પર લોકો ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. અવનવી ડિઝાઈનનાં કપડાની લોકો ખરીદી રહ્યા છે. દિવાળી તહેવારને લઈને બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. દિવાળી તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે.