અંબાજીનો પ્રસાદ ફરી વિવાદમાં આવ્યો, જેનો કોન્ટ્રાક્ટ રદ કરાયો તેના બોક્સમાં જ પ્રસાદ પીરસાયો

અંબાજીનો મોહનથાળ પ્રસાદ ફરીથી વિવાદમાં આવ્યો છે. નકલી ઘી મળ્યા બાદ બ્લેકલિસ્ટ કરાયેલી મોહિની કેટરર્સ ફરી ચર્ચામાં આવી છે. અંબાજી મંદિરે બ્લેક લિસ્ટેડ કરેલી મોહિની કેટરર્સ કંપની અને અંબાજી મંદિર ટ્રસ્ટ ફરીથી વિવાદમાં આવ્યું છે. હાલ મોહનથાળ પ્રસાદ તો અંબાજી મંદિર બનાવે છે, પરંતુ પ્રસાદના બોક્સ પર મોહિની કેટરર્સનું નામ જોવા મળતા જ ખળભળાટ મચી ગયો છે. છેલ્લા સવા મહિનાથી અંબાજી મંદિર ટ્રસ્ટ મોહનથાળ પ્રસાદ બનાવે છે, તો પછી મોહિની કેટર્સનુ બોક્સ કેવી રીતે આવ્યું, તે વિવાદ ઉઠ્યો છે. 

બનાસકાંઠા એનએસયુઆઈ મહામંત્રી દ્વારા સમગ્ર મામલો ખુલ્લો પાડવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળ બંધ કર્યો ત્યારે વિવાદમાં આવ્યું હતું, ત્યારબાદ નકલી ઘીના ઉપયોગમાં પણ વિવાદમાં આવ્યું હતું, ત્યારબાદ રાજભોગ પ્રસાદ 51 શક્તિપીઠમાં બંધ થયો ત્યારે પણ વિવાદમાં આવ્યું હતું અને હવે ફરીથી મોહિનીના બોક્સના ઉપયોગનો વિવાદ આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ કઈ રીતે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરાઈ છે, તો તેના બોક્સ ઉપયોગ કઈ રીતે ઉપયોગ કરી શકે તેવો સવાલ એનએસયુઆઈ દ્વારા પૂછાયો છે. 

એનએસયુઆઈ દ્વારા અંબાજી મંદિરના વહીવટદારને ફોન કર્યો તો સિદ્ધિ વર્માએ જણાવ્યું કે, મોહિની કેટરર્સના બોક્સ વધ્યા હતા એટલે ઉપયોગમાં લઈએ છીએ. હવે જો ફૂડ વિભાગ કેસ કરે તો કેસ કોની પર થાય, મોહિની ઉપર કે મંદિર ટ્રસ્ટ ઉપર? એક તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિની કેટરર્સની ડિપોઝિટ જપ્ત કરી રાખી છે, ત્યારે બીજી બાજુ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિનીનું લાઇસન્સ અને તેના બોક્સ કઈ રીતે પ્રસાદનો ઉપયોગ કરી શકે તે સવાલ ઉઠ્યો છે. 

હાલમાં મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ બનાવી રહ્યું છે. બીજી તરફ, મોહિની કેટરર્સનું ટેન્ડર રદ કર્યું છે, તો પણ છેલ્લા 38 દિવસથી મોહિનીના બોક્સમાં જ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ વેચે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત મહિને અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો હતો. જેથી આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ 48 લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા હતા. ખરાબ ઘીમાંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને મોહિની ગ્રુપે 31 લાખ પેકેટ માઈભક્તોને પધરાવી દેવાયા હતા. મેળો પત્યા પછી ઘી ખરાબ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો હતો. ખરાબ મોહનથાળનું ઘી અમદાવાદથી ખરીદાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બીજો મોટો ખુલાસો એ થયો કે, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી આ નકલી ઘી ખરીદવામાં આવ્યું હતું. અંબાજીમાં અંદાજે 3 હજાર કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. જેના બાદ નિર્ણય લેવાયો કે, અંબાજીમાં હવે મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે. ભેળસેળવાળો પ્રસાદ બનાવનાર મોહિની કેટર્સનો કોન્ટ્રાક્ટ ન રિન્યૂ ન કરાયો.