મુંબઇ,શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ બાબર આઝમની કેપ્ટનશિપ અંગે નિર્ણય લેશે?. આ અંગે ઝકા અશરફે મોટું નિવેદન આપ્યું છે. ઝકા અશરફે કહ્યું કે, આ ટેકનિકલ કમિટીનું કામ છે, તે ટેકનિકલ કમિટીએ નક્કી કરવાનું છે કે બાબર આઝમ કેપ્ટન રહેશે કે હટાવવામાં આવશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું કે, બાબર આઝમની કેપ્ટનશિપ અંગે નિર્ણય લેવો મારા અધિકારક્ષેત્રમાં નથી. આ નિર્ણય મિસ્બાહ ઉલ હકની આગેવાની હેઠળની ટેકનિકલ કમિટી લેશે. આ ઉપરાંત મોહમ્મદ હાફીઝ ટેકનિકલ કમિટીનો ભાગ છે. ઝકા અશરફે કહ્યું કે, બાબર આઝમની કેપ્ટનશિપ અંગેનો નિર્ણય ટેક્નિકલ કમિટીની સલાહ બાદ લેવામાં આવશે. આ માત્ર ચેરમેનનું કામ નથી. તેમણે એમ પણ કહ્યું કે, ટેકનિકલ કમિટી ઉપરાંત પૂર્વ ક્રિકેટરોની સલાહના આધારે નિર્ણય લેવામાં આવશે.
ઝકા અશરફે બાબર આઝમની ખૂબ પ્રશંસા કરી હતી. ઝકા અશરફે કહ્યું કે, એક શાનદાર બેટ્સમેન હોવા ઉપરાંત બાબર આઝમ એક ઉત્તમ કેપ્ટન પણ છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે બાબર આઝમ સફળ થાય અને ટ્રોફી પાકિસ્તાન લાવે. આ વર્લ્ડકપમાં બાબર આઝમની કેપ્ટનશિપ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરોએ બાબર આઝમની કેપ્ટનશિપની ટીકા કરી હતી. પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાન પાસે ૮ પોઈન્ટ છે. આ ટીમે ૪ મેચ જીતી છે અને ૪ મેચ હારી છે.