સુરત નાં પલસાણા જિલ્લામાં યશવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ ની ઓફીસ માંથી જવલનશીલ પ્રવાહીનાં જથ્થાં સાથે બે ઝડપાયાં

સુરત જિલ્લાના પલસાણા ખાતે એ-વન કોમ્પ્લેક્ષમાં આવેલ યશવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં તેમજ એક ઇકો કારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. દુકાનમાં હાજર બે વ્યક્તિઓ આ જ્વલનશીલ પ્રવાહીનું સસ્તાં ભાવે વેચાણ કરી રહયાં હતાં.

પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો, કાર, તેમજ મોબાઈલ ફોન અને રોક્ડ રકમ મળી કુલ રૂ. 3,02,980 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે પલસાણા ઓવરબ્રિજ નજીક ને.હા-48ની બાજુમાં એ-વન કોમ્પ્લેક્ષમાં આવેલ યશવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે દુકાનમાં હાજર બે વ્યક્તિઓ પ્લાસ્ટિકના એક કેરબામાંથી બીજા કેરબામાં જ્વલનશીલ પ્રવાહી ભરી રહયા હતા. પોલીસે આ બંને વ્યક્તિની અટક કરી પૂછતાછ દરમ્યાન તેમણે પોતાનું નામ રાજુભાઇ મનસુખભાઈ પઢિયાર (રહે, નંદાવન સોસાયટી વિભાગ-1, પૂણાગામ, સુરત શહેર, મૂળ રહે, બજુડ, તા-ઉમરાળા, જી-ભાવનગર) તથા રાકેશ હીરાભાઈ ગોળકીયા (રહે, મોહનદીપ સોસાયટી, આંબાવાડી તલાવડી, કતારગામ, સુરત) નો હોવાનું જણાવ્યુ હતું. આ બંને વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોમાં સસ્તામાં વેચાણ કરતાં હતા. તેમજ દુકાનની બહાર પાર્ક કરેલ એક ઇકો કાર નંબર જીએ-11-એ-2928 માંથી પણ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરવા માટે લાઇસન્સ પરવાના તેમજ ફાયર એનઓસી માંગી હતી જોકે તે મળી આવી ન હતી. પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહી તેમજ, કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 3,02,980 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોટર : સની મહેતા