કચ્છમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો દારૂ વેચી રહ્યો હતો !

ભુજ, ભુજની હવામાન વિભાગની કચેરીના બાથરૂમમાંથી ૩૪ હજાર કિંમતની ૫૧ દારુની બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભુજની લાયન્સ હોસ્પિટલની બાજુમાં આવેલ ડોપ્લર મૌસમ રડાર ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો રાજેશ વ્રજલાલ જોષી પોતાની સફેદ કલરની એકટીવા પર દારૂની હેરાફેરી કરતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. વધુ પૂછપરછ કરતા કચેરની વિઝીટર ઓફીસના બાથરૂમમાં છુપાવેલ દારૂ મળી આવ્યો હતો.

ભુજ હવામાન કચેરીના ડોપ્લર રડાર ભવનના બાથરૂમમાંથી ૩૪ હજારનો દારૂ ઝડપાયો છે. કચેરીનો પટાવાળો કચેરીમાં જ દારૂ સંતાડતો હતો. પટાવાળાને પોલીસે દારૂના વેચાણ સાથે રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે દરોડો પાડી હવામાન કચેરીના ડોપ્લર રડાર ભવનમાં ૩૪ હજારની કિંમતના વિવિધ ૧૫ બ્રાન્ડના શરાબની ૫૧ બોટલ જપ્ત કરી છે. કેન્દ્ર સરકાર હસ્તક મહત્વપૂર્ણ વિભાગની કચેરીના પટાવાળાના કરતૂતે અન્ય કર્મચારીઓ માટે નીચા જોણું કર્યું છે.

કચ્છમાં દારૂની બદીઓ ફુલીફાલી હોય તેમ ઠેરઠેર અંગ્રેજી અને દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે, તેમ છતાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જૂજ દારૂના કેસો કરી મોટા ગજાના બૂટલેગરોને છાવરવામાં આવતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જયારથી પશ્ચિમ કચ્છના નવા આવેલ પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યો ત્યારથી અંગ્રેજી અને દેશી દારૂના હાટડાઓ ચલાવતા બૂટલેગર બેફામ બની ગયા છે, સમગ્ર પશ્ચિમ કચ્છના મુખ્ય મથકો પર છાકટા બનેલા બૂટલેગરો હવે ખૂણે ખાંચે નહીં પરંતુ ભરચક વિસ્તારોમાં પણ ડીલીવરી આપતા ખચકાતા નથી.

ભેજાબાજ બૂટલેગરો નવા નવા તરકબ રચી છેક પશ્ચિમ કચ્છના છેવાડા સુધી અંગ્રેજી શરાબ પહોચાડી બેફામ વેપલો ચલાવી રહ્યા છે, ત્યારે “પોલીસ ધારે તો ચકલું પણ ન ફરકે” તેમ પશ્ચિમ કચ્છ પોલીસ વડા ડંડો ઉગામે તો કેટલાય બૂટલેગરો હિજરત ભણી નાસીપાસ થઈ જાય તેમાં બેમત નથી.