રાજ્યમાં ૩,૦૧૪ તલાટી કમ મંત્રી સહિત ૪,૧૫૯ નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત

  • ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરજો : મુખ્યમંત્રી

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવી નિમણૂંક મેળવી રહેલા ૪,૧૫૯ જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરત મંદ લોકોને ૧૦૦ ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને સમગ્રતયા ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવા કર્મીઓને દિપાવલી પર્વના પ્રારંભિક દિવસોમાં આ રોજગાર અવસર આર્થિક ઉજાસનો આધાર બન્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક પામી રહેલા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને ર્ક્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા નવનિયુક્ત કર્મીઓને આપી હતી. નવી નિમણૂંક મેળવી રહેલા કર્મયોગીઓને પ્રેરણા-માર્ગદર્શન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા પત્રનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિકાસ, સુશાસન અને શ્રેષ્ઠતાની ત્રિવેણીથી રાષ્ટ્ર અને રાજ્યની ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં આ યુવા શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે.

રાજ્ય અને પંચાયત સેવામાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતની પંચાયત સેવાને વધુ સબળ, સુગમ અને મજબૂત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને પારદર્શિતા સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી આજે સૌને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.પસંદગી પામેલા સૌ ઉમેદવારો પાસે રાજ્ય સરકારમાં જોડાઈને નાગરિકોની સેવા કરવા માટેની જ્વલંત તક છે. ત્યારે નવનિયુક્ત કર્મયોગીઓ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પારદર્શિતા સાથે કામ કરી રાજ્યના વિકાસમાં પોતાનો સહયોગ આપે, તેવો મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, પંચાયત વિભાગના અગ્ર સચિવ સંદીપ કુમાર, અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ, સભ્ય રાજિકાબેન કચેરીયા અને શ્રી નીતાબેન સેવક સહિત પસંદગી પામેલા ઉમેદવારો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.