એનસીપી નેતા એકનાથ ખડસેને હાર્ટ એટેક આવ્યો, શરદ પવાર હોસ્પિટલમાં આવ્યા

મુંબઇ,મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા એકનાથ ખડસેને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો. વિધાન પરિષદના સભ્ય એકનાથ ખડસેની તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ આ અંગે માહિતી આપી હતી. હવે એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ખડસેની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે.

એનસીપી નેતા એકનાથ ખડસેને હાર્ટ એટેક આવતા જલગાંવની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ બગડતાં તેમને જલગાંવથી એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એનસીપી પ્રમુખ શરદ પવાર ખડસેની હાલત જાણવા માટે વ્યક્તિગત રીતે હોસ્પિટલ પહોંચ્યા હતા.

એકનાથ ખડસેની પુત્રી અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીઁની મહિલા પાંખના પ્રમુખ રોહિણી ખડસેએ કહ્યું હતું કે તેમના પિતાને મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એકનાથ ખડસે વર્ષ ૨૦૨૦માં ભારતીય જનતા પાર્ટી છોડીને એનસીપીમાં જોડાયા હતા. આ પછી તેઓ ૨૦૨૨માં વિધાન પરિષદમાં ચૂંટાયા.

રિપોર્ટ અનુસાર, જ્યારે એકનાથ શિંદેને ખડસેની હાલત વિશે જાણ થઈ તો તેમણે તરત જ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી. મળતી માહિતી મુજબ ખડસે છેલ્લા ૨ દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા.