બેંગલુરુમાં ગેરકાયદે ખનન અને રેતી માફિયા સામે કાર્યવાહી કરનાર મહિલા અધિકારીની હત્યા થઇ

બેંગલુરુ,બેંગલુરુમાં ભૂસ્તર વિભાગમાં કામ કરતી મહિલા અધિકારીની હત્યા થઈ. વરિષ્ઠ મહિલા ભૂસ્તરશાસ્ત્રીની તેના ઘરે જ હત્યા કરવામાં આવી. ૪૩ વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી મહિલાની હત્યા મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમકે તાજેતરમાં ગેરકાયદે ખનન અને રેતી માફિયા સામે આ મહિલા અધિકારીએ બાથભીડી હતી. આથી હત્યાનો આ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે. પોલીસે મહિલાની હત્યાને લઈને તપાસ હાથ ધરી છે.

બેંગલુરુમાં ખાણ અને ભૂસ્તર વિભાગમાં કામકરતી ૪૩ વર્ષીય મહિલાની ઓળખ કરવામાં આવી છે. તેનુ નામ કે. એસ. પ્રતિમા છે. પ્રતિમાની હત્યા થતા તેના પરિવાર તથા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી છે. પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું કે ભૂસ્તરશાસ્ત્રી પ્રતિમાની હત્યા ગળું દબાવવાથી અને ગળુ કાપીને કરવામાં આવી. વધુ જણાવતા કહ્યું કે પ્રતિમા બેંગલુરુમાં રહે છે જ્યારે તેનો પતિ બેંગલુરુથી લગભગ ૩૦૦ કિમી દૂર શિવમોગ્ગા જિલ્લામાં તીર્થહલ્લીમાં રહે છે. પ્રતિમાનો પતિ એક શિક્ષક છે અને હવે ખેતી પણ કરે છે. જ્યારે તેનો પુત્ર ધોરણ-૧૦માં અભ્યાસ કરી રહ્યો છે.

ભૂસ્તરશાસ્ત્રી પ્રતિમાની હત્યા થતા અનેક સવાલ ઉભા થયા છે. કેમકે હત્યારાઓ લૂંટના ઇરાદે આવ્યા નહોતા તેમજ ના તો કોઈ જબરજસ્તી કરવામાં આવી હોવાના ચિન્હો છે. હત્યારો ફક્ત પ્રતિમાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે નોંધ્યું કે પ્રતિમાના ઘરમાં કોઈ ચીજ વસ્તુ વેરવિખેર થયાના ચિન્હો નથી. એટલે જ આ કેસ વધુ ગૂંચવાડોભર્યો લાગે છે. તપાસ દરમ્યાન પોલીસે ઘરની અન્ય કોઈ વસ્તુને હાથ પણ લગાવ્યો ન હતો.

ખાણ અને ભૂસ્તર વિભાગમાં કામકરતી મહિલાની હત્યાનો મામલો સમાચારોમાં વધુ વિવાદ કરે તે પહેલા જ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટનાને લઈને એક પોલીસ અધિકારીએ માહિતી આપી કે હત્યાની દરેક એંગલથી તપાસ કરાશે. પ્રતિમાના પરિવારને લઈને શંકાસ્પદ માહિતી મળી છે. ઉપરાંત પ્રતિમા ગેરકાયદે ખનન સામે કાર્યવાહી અંગે રિપોર્ટ તૈયાર કરતા અનેક દુશ્મનો સામે બાથભીડી હતી. પરંતુ એ વાત ચોક્કસ છે કે લૂંટ કે ચોરીના ઇરાદે હત્યા નથી કરવામાં આવી. કબાટમાં રાખેલા દાગીના પણ એ જ હાલતમાં છે. આથી પોલીસને શંકા છે આ હત્યામાં પ્રતિમાની નજીકની વ્યક્તિ સામેલ હોવાનું ચોક્કસ છે. કારણ કે ઘરમાં બળજબરીથી પ્રવેશવાના કોઈ ચિહ્નો નથી.