
- એનઆઇએએ ૭ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ ઈસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હતા
પુણે: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)એ ૭ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ ઈસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હતા. તેમના પર આરોપ છે કે તેઓ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં ગયા હતા. તેઓએ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી)પણ લગાવ્યું હતું.એનઆઇએ અનુસાર, આ તમામ લોકો આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરતા હતા અને વોન્ટેડ આતંકવાદીઓ હતા. આ સાત આરોપીઓમાંથી બે મધ્યપ્રદેશના અને પાંચ મહારાષ્ટ્રના છે. તેમના નામ મોહમ્મદ ઈમરાન, મોહમ્મદ યાકુબ સાકી, અબ્દુલ કાદીર, નસીરુદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી, શામિલ સાકિબ નાચન અને અકીફ અતીક નાચન છે.
આ વર્ષે ૧૮ જુલાઈના રોજ, પૂણે પોલીસે શાહનવાઝ અને મધ્યપ્રદેશના બે લોકો – મોહમ્મદ ઈમરાન ખાન અને મોહમ્મદ સાકીની પુણેમાં ટુ-વ્હીલરની ચોરીના સંબંધમાં ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તેને પૂછપરછ માટે તેના ઠેકાણા પર લઈ જઈ રહી હતી ત્યારે શાહનવાઝ પોલીસની કારમાંથી કૂદીને નાસી છૂટ્યો હતો. મોહમ્મદ ઈમરાન ખાન અને મોહમ્મદ સાકીની પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે બંને સુફા આતંકવાદી ગેંગનો હિસ્સો છે. એપ્રિલ ૨૦૨૨માં રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટક મળી આવવાના કેસમાં ત્યાંની પોલીસ તેને શોધી રહી છે. ત્યારબાદ પોલીસે આ કેસને પુણે આઇએસઆઇએસ મોડ્યુલ કેસ નામ આપ્યું. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આતંકીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યા હતા. તેમના નામ પૂણેના તલ્હા લિયાક્ત ખાન અને રિઝવાન અબ્દુલ હાજી અલી અને દિલ્હીના અબ્દુલ્લા ફૈયાઝ શેખ છે.
સ્પેશિયલ સીપી હરગોવિંદ સિંહ ધાલીવાલે જણાવ્યું કે શાહનવાઝ ૨ ઓક્ટોબરની સવારે જેતપુરથી ઝડપાયો હતો. તેની પાસેથી રાસાયણિક પદાર્થો અને આઇઇજી બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી. શાહનવાઝની પત્ની શરૂઆતમાં હિન્દુ હતી. તેણીએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને મરિયમ રાખ્યું. તે પણ તેના પતિને સાથ આપતી હતી. હાલમાં શાહનવાઝની પત્ની અને બહેન બંને અંડરગ્રાઉન્ડ છે. તેમની શોધખોળ ચાલુ છે.
એનઆઈએનું કહેવું છે કે ઈમરાન, યુનુસ અને શાહનવાઝ પુણેની એક આઈટી ફર્મમાં કામ કરતા એન્જિનિયર ઝુલ્ફીકાર અલી બોરદવાલા સાથે સંબંધ ધરાવે છે આઇએસઆઇએસ સાથે જોડાયેલા એક કેસમાં જુલ્ફીકારની ૩ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
એનઆઇએના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે ઝુલ્ફીકાર આ કેસનો માસ્ટરમાઇન્ડ અને ફાઇનાન્સર છે. તેણે ઈમરાન, યુનુસ અને શાહનવાઝને ટ્રેનિંગ આપી અને પૈસા મોકલ્યા. પોલીસે ઈમરાનને પૈસા પહોંચાડનાર કદીર દસ્તગીર પઠાણની ધરપકડ કરી હતી.