અમરેલી, દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા બજારમાં તેજીના બદલે મંદી દેખાઈ રહી છે. અમેરલીના ફટાકડા બજારમાં મંદી જોવા મળી છે ગત વર્ષની સરખાણમીએ આ વર્ષે ફટાકડાના ભાવોમાં ૨૦ થી ૪૦ ટકાનો વધારો દેખાયો છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ફટાકડાના સ્ટોલ ખુલ્યા છે. જોકે વેપારીઓ હજુ ગ્રાહકોની શોધમાં છે. પેઢીઓથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે સીમિત માત્રામાં લોકો ફટાકડા લેવા આવી રહ્યા છે અને ફટાકડાની ખરીદીમાં પણ તેઓએ કાપ મૂક્યો છે. સાથે સાથે લોકોને આ તહેવાર તો મનાવવો છે પરંતુ મોંઘવારીને પગલે તહેવારની ઉજવણીનો કોઈ ઉત્સાહ રહ્યો નથી.
વેપારીઓનું માનીએ તો તેઓ હવે માત્ર અને માત્ર દિવાળીના છેલ્લા બે દિવસની ઘરાકી નીકળશે તેવી આશા લઈને બેઠા છે. વેપારીઓએ કહ્યું હતું કે આ વ્યવસાયમાં આ વર્ષે કોઈ નફો રળવાનો અમે લક્ષ્ય પણ રાખ્યો નથી પરંતુ અમારો ધંધો સચવાય, ગ્રાહકો સચવાય અને રોકાણ સરભર થઈ શકે તેવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ.